Birthday

News of Tuesday, 16th April, 2013

વિશ્વ વિખ્‍યાત હૃદયરોગ નિષ્‍ણાંત ડો. તેજસ પટેલનો કાલે જન્‍મદિવસઃ ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે

વિશ્વ વિખ્‍યાત હૃદયરોગ નિષ્‍ણાંત ડો. તેજસ પટેલનો કાલે જન્‍મદિવસઃ ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે

   વાપી, તા. ૧૬ :. વિશ્વ વિખ્‍યાત હૃદયરોગ નિષ્‍ણાંત ડો. તેજસ પટેલનો આવતીકાલે એટલે કે ૧૭મી એપ્રિલના રોજ જન્‍મદિવસ છે. તેમના આ જન્‍મદિન નિમિત્તે ‘અકિલા' પરિવાર તેમને અંતરની શુભેચ્‍છા પાઠવે છે. એન્‍જીયોગ્રાફી, એન્‍જીયોપ્‍લાસ્‍ટી અને સ્‍ટેન્‍ડીંગ ની સર્જરીના પાયોનિયર સમા ડો. તેજસ પટેલની ઝળહળતી કારકિર્દીની એક ઝલક જોઈએ તો...૧૭મી એપ્રિલ ૧૯૬૩ના રોજ અમદાવાદ ખાતે જન્‍મ થયો, પાંચ વર્ષની નાની વયે માતા મૃદુલાબેનની મમતા ગુમાવી...અમદાવાદ મામાને ત્‍યાં આવી શરૂ કર્યો અભ્‍યાસ.. બાળપણથી જ તેજસ્‍વી એવા તેજસભાઈએ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી એમ.ડી. થયા અને તે પણ ગોલ્‍ડ મેડાલિસ્‍ટ. ત્‍યારબાદ ડી.એમ. એફ.સી.એસ.આઈ., એફ.એ.સી.સી., ઈ.એસ.સી., એફ.એસ.સી.આઈ.ની પદવી મેળવી, મુંબઈની જસલોક હોસ્‍પીટલથી કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ તેજસભાઈએ પાછુ વળીને જોયુ નથી.

   ટૂંકા સમયમાં જ મુંબઈ છોડી અમદાવાદ પરત આવી ગયા અને અહીં સિવિલ હોસ્‍પીટલમાંથી તેમણે વ્‍યવસાયી કારકિર્દી આગળ ધપાવી. આગળ જતા તેજસભાઈને વિશ્વના ખ્‍યાતનામ કાર્ડિયોલોજીસ્‍ટ જોડે કામ કરવાનો મોકો મળ્‍યો. ફુલની ફોરમ જેમ ચોમેર પ્રસરે તેમ તેજસભાઈના કાર્યોની પ્રશંસા ચારેકોર થવા લાગી. જોતજોતામાં તો તેઓ એન્‍જીયોગ્રાફી, એન્‍જીયોપ્‍લાસ્‍ટી અને સ્‍ટેન્‍ડીંગ સર્જરીના પાયોનિયર ગણાવા લાગ્‍યા. ઈન્‍ટરનેશનલ કાર્ડિયોલોજીસ્‍ટ તરીકે ડો. તેજસભાઈએ ૩૫,૦૦૦ જેટલા ઓપરેશનો કર્યા હશે. જે પૈકીની ૧૨થી ૧૫ હજાર પ્રક્રિયાઓ.. ટ્રાન્‍સ-રેડીયલ રૂટ પ્રકારની હતી. જે દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેને ખૂબ ઝડપથી સાજો કરી દે છે.

   આ પદ્ધતિમા હાથની નસ દ્વારા હૃદયમાં, કિડનીમા કે અન્‍યત્ર બ્‍લોક થયેલ નળી (વેઈન)ને બલુન મારફતે ખોલી નાખવામાં આવે છે. એન્‍જીયોપ્‍લાસ્‍ટીની આ પ્રક્રિયામાં તેજસભાઈ વિશ્વ પ્રસિદ્ધ બન્‍યા છે.

   ડો. તેજસ પટેલ તબીબી કાર્ય અને પ્રશિક્ષણ માટે વારંવાર વિદેશ જતા આ વેળાએ તેમને કાયમ માટે એક વાતનો વસવસો રહેતો કે એક સમયે વિશ્વભરમાંથી લોકો ભારતમાં વિદ્યા મેળવવા આવતા અને આજે ભારતીયો વધુ અભ્‍યાસ માટે વિદેશ જાય છે આવુ કેમ?

   અને ખરેખર આ સ્‍થિતિના બદલાવમાં ડો. તેજસ પટેલ જાણે નિમિત બન્‍યા... તેમની નવી શોધની તાલીમ લેવા આજે દુનિયાભરના ડોકટરો અમદાવાદ આવે છે. તેજસભાઈ પાસેથી અત્‍યાર સુધીમાં વિશ્વના ૧૦૦થી વધુ ડોકટરો તાલીમ લઈ ચૂકયા છે.

   આપણને ગર્વ થશે કે પટેલ-૧, પટેલ-૨, પટેલ-૩ના નામથી વિશ્વભરમાં એક માત્ર ડો. તેજસ પટેલના નામે હૃદયની નળીઓની કલોટ દૂર કરવા એન્‍જીયોલાસ્‍ટી, એન્‍જીયોગ્રાફીમા (ટીઆરઆઈ) વપરાતી ખાસ ડિઝાઈનની ‘ડાયગ્નોસ્‍ટીક કેપેટર' પેટર્ન કરવામાં આવી છે.

   વિવિધ ઈન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમા આમંત્રણ મેળવી મહેમાન ફેકલ્‍ટી-વક્‍તા તરીકે ડો. તેજસ પટેલે ફ્રાન્‍સ, અમેરિકા, શ્રીલંકા, ચીન, જાપાન, કન્‍યા, મોરેશ્‍યસ અને સિંગાપુર સહિતના દેશોની મુલાકાત લઈ ચુકયા છે.

   ડો. તેજસ પટેલને તેની યશસ્‍વી સિદ્ધિ બદલ ડો. બી.સી. રોયનો એવોર્ડ રાષ્‍ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલ દ્વારા એનાયત કરાયો છે તથા કાર્ડિયોલોજીસ્‍ટ ક્ષેત્રે પ્રદાન બદલ ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન ઓફ ઈન્‍ડીયાનો પ્રતિષ્‍ઠીત ડો. કે.એમ. સેરનનો બહુ મૂલ્‍યવાન એવોર્ડ મળ્‍યો છે.

   ડો. તેજસ પટેલે ૧૨૭ પબ્‍લીકેશનમા લેખક તરીકે ફરજ બજાવી ૩૭ આર્ટીકલ અને ૮૬ જનરલમાં તેમના પેપર્સ રજૂ થયા છે. ટ્રાન્‍સ રેડિયલ ઈન્‍ટરવેન્‍શન ટેકનીકલ અંગે ‘વ્‍હાઈટ પેપર' બહાર પડેલ તેના લેખકો માહેના ડો. તેજસ પટેલ એક છે.

   અમેરિકાના ડો. રોજર કોલેરી અને ડો. જ્‍હોન કપોલા, ફ્રાન્‍સના ડો. એલન કીલીયર, જાપાનના ડો. શીર્ગટુ સાબ્‍ટો, નેધરલેન્‍ડના ડો. કીમનીજ જેવા તબીબોએ તેજસ પટેલની સિદ્ધિઓ બીરદાવી છે.

   માયાળુ અને મૃદુભાષી સ્‍વભાવના ડો. તેજસ પટેલ આજે માત્ર ગુજરાતનું જ નહી ભારતનું ગૌરવવંતુ વ્‍યક્‍તિત્‍વ છે. અનેક એવોર્ડો અને અનેક સિદ્ધીઓ મેળવનાર ડો. તેજસભાઈ આવતીકાલે ૧૭મી એપ્રિલ ૨૦૧૩ના રોજ યશસ્‍વી કારકિર્દીના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

   આ વેળાએ તેમને શુભેચ્‍છા અર્પવા પરિવારજનો, મિત્ર વર્તુળ અને તબીબીગણ આતુર બન્‍યુ છે. વધે તમારી નામના એવી ‘અકિલા' પરિવાર તરફથી શુભકામના...

   ડો. તેજસ પટેલના ફોન નં. ૦૭૯૨૬૪ ૬૬૧૬૧, ૨૬૪૦૭૭૧૧, મો. ૯૮૨૪૦ ૩૦૫૭૬

    

 (01:49 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]