Tantri Sthanethi

News of Friday, 5th April, 2013

મૃતદેહો
ચુંથતા
ગીધડાંનો
જશ્ન...

નેપાળી પરિવારના મોતનો \'લાભ\' લઇને મીડિયા ટીઆરપી વધારે છે.. માનવો અધિકારવાળા સરકારનું નાક દબાવશે... સરકાર છટકોત્સવ ઉજવશે.. વિપક્ષો વોટબેંક મજબૂત કરશે... આમજનનો પ્રાથમિક જરૃરિયાતનો મૂળ પ્રશ્ન લટકતો જ રહેશે !

   ગુજરાતભરમાં હાહાકાર મચાવનારા રાજકોટના  અગન ખેલના અતિ કરુણ બનાવમાં મૃતદેહો ચુંથનારા માનવ ગીધડા જશ્ન-ઉત્સવ મનાવી રહ્યાં છે. સમગ્ર ઘટનામાં કોણ ફસાયેલું છે, કોણ છટકી ગયું છે, કોણ ખોટી રીતે ફીટ થઇ ગયું છે આવા પ્રશ્નોની ચર્ચા ખૂબ ચાલે છે. મૂળ પ્રશ્નમાં કોઇ ઉતરતું નથી. માત્ર નેપાળી પરિવાર જ નહિ-અસંખ્ય લાચાર પરિવારો સામે પ્રાથમિક સુવિધાનો અભાવ છે એ મૂળ પ્રશ્ન છે. રોટી-કપડાં-મકાન-પાણી જેવી પાયાની જરૃરિયાતો સંતોષાતી નથી, બેફામ વધતી મોંઘવારીમાં લાચાર પરિવારોને અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો નેપાળી પરિવારો સામે પણ હતાં. આ પ્રશ્નોમાં કોઇ પડતું નથી. અગન ખેલ બાદ રાજકોટમાં ચોમેરથી વિવિધ સમિતિઓના, પક્ષોના, મીડિયાઓના  ટોળા આવી રહ્યા છે. આમાંના મોટાભાગનાં ગીધડાંની ભૂમિકામાં છે.

   અગન ખેલને ખૂબ ચગાવનાર મીડિયા-ખાસ કરીને  કેટલીક ટીવી ચેનલો માટે આ કેસ છપ્પનભોગ જેવો દેખાય છે. ટીઆરપી વધારવા માટે નેપાળીઓના મૃતદેહો મીડિયાને ખૂબ ઉપયોગી થાય છે, તેથી ધાડા રાજકોટમાં સક્રિય થઇ ગયા છે. આ કે અગનકાંડ જલ્સા જેવો લાગે છે.

   બીજી તરફ  કેટલી સંસ્થાઓ પણ રાજકોટની ઘટનામાં પોતાનું \'ભોજન\' શોધવા આવી ગયું છે. અનેક કેસોના અનુભવ પરથી કહી શકાય કે - માનવ અધિકાર કરતા મૃત્યુ પામેલા માણસોના અધિકારોમાં વધારે રસ પડે છે. આવા ગીધડાં સરકારોનું નાક દબાવવા મોટાભાગે મૃતદેહોને ચૂંથતા હોય છે. આપઘાત કરનાર પરિવાર જીવતો\'તો ત્યારે તેના અધિકારની પંચના લોકોને પડી ન હતી. હવે જાસુસી અદાથી કેસની તપાસ કરવાના નાટક કરીને સનસનાટીપૂર્ણ નિવેદનો દ્વારા પ્રસિધ્ધિ મેળવીને - સરકારનું નાક દબાવાના ખેલનો ઉત્સવ મનાવે છે. નેપાળી પરિવાર જેવા અનેક પરિવારો અસ્તિત્વ સામે જંગ ખેલે છે, પણ તેના માટે પંચ-પ્રપંચ જેવું સાબિત થાય છે. ગઇકાલે સરહદે નાલાયકોએ એક ભારતીય જવાનની આંખો કાઢી લીધી... માનવ અધિકાર માંધાતાઓનેે તે અંગે નિવેદન કરવામાં પણ રસ નથી. આ લોકો વિચિત્ર છે, સરકાર કયા પક્ષની છે, તે જોઇને નાક દબાવવા સક્રિય બને છે. આમજનના મૂળ પ્રશ્નમાં તેમને જરા પણ રસ દેખાતો નથી.

   રાજકોટમાં અનુસૂચિત જાતિ પંચ આવ્યું. નિવેદન-તપાસ કર્યા. રાષ્ટ્રીય નેપાળી કાઉન્સીલ આવી... જોરદાર નિવેદનો કર્યા. સવાલ એ ઉઠે છે કે, સામૂહિક આત્મવિલોપન કરનાર નેપાળી પરિવાર ઘણાં સમયથી લડતો હતો, ત્યારે કાઉન્સીલને તેના પર પ્રેમ ન ઉભરાયો, એ ગુજરી ગયા ત્યારે મૃતદેહો પર પ્રેમ ઉભરાયો... માણસ જીવતા હોય ત્યારે તેને સુવિધા મળે તો જીવન સુખપૂર્વક જીવી શકે... ગુજર્યા બાદ તેને સહાય, સુવિધા, હમદર્દી શું કામના ? નેપાળી કાઉન્સીલના માંધાતાઓને પૂછીએ કે- રાજકોટમાં જે નેપાળીઓ જીવે છે તે સુખપૂર્વક રહી શકે, સુવિધા મળે તે માટે તમે શું કરી શકો તેમ છો ? મોટાભાગે  આ બધાને મૃતદેહોમાં જ રસ પડતો હોય છે.

   ગુજરાતના વિપક્ષ માટે તો નેપાળી પરિવારનો અગનખેલ મોટા જમણવાર જેવો સાબિત થઇ રહ્યો છે. વિપક્ષ તરીકે કંઇ ઉકાળી ન શકનાર આ ગીધડાં માટે નેપાળીઓના મૃતદેહો તક સમાન લાગવા માંડયા છે. દરરોજ ટોળાના ટોળા ઉમટે છે અને વોટબેંક વધારવાના ધ્યેયથી જશ્ન મનાવે છે. આમજનના મૂળ પ્રશ્નમાં તેમને પણ રસ નથી. સમસ્યાથી ત્રસ્ત આમજન ગુજરે ત્યારે આ લોકોને રસ પડે છે.

   રાજકોટના અગન ખેલમાં કોણ સંડોવાયેલું છે એ તપાસનો વિષય છે, પરંતુ આવા પરિવારોનો મૂળ પ્રશ્ન પ્રાથમિક સુવિધાનો છે, જે પૂરી કરવી એ સરકારની ફરજ છે. અસંખ્ય પરિવારો અસ્તિત્વ સામે જંગ ખેલે છે, આ બધુ જ ભૂલી જઇને સરકાર અગનખેલમાંથી છટકોત્સવ ઉજવવામાં વ્યસ્ત થઇ જશે.. છટકબારીને બદલે છટક દરવાજા શોધીને વાઇબ્રન્ટ ઉડાન કરશે..

   સામાન્ય લોકોના પાયાના પ્રશ્નોમાં કોઇને રસ નથી. એ ગુજરે ત્યારે ગીધડાં મંડાય છે. હાલ રાજકોટમાં અનેક પ્રકારના ગીધડાં જશ્ન મનાવી રહ્યા છે. આ બધાંને ૧૦-૧ર દિવસનું ભોજન મળી ગયું છે. થોડા દી\'માં બધું ભૂલાઇ જશે. ગીધડાં \'ખાધંુ-પીધું અને રાજ કર્યું\'નો ઓડકાર લેશે.

   આવી બીજી ઘટના બને ત્યારે ફરી જશ્ન મનાવવા પડમાં આવશે.

   ગીધડોત્સવ કયારેય ભવ્ય ન હોય, ભયાનક જ હોય. દુઃખ એ છે કે- આવા ઉત્સવો હસતા-હસતા જોઇ શકીએ તેટલા આપણે નિર્દયી બની ગયા છીએ.(૮.૩)

 (03:23 am IST)
[social_media]
 
 
[all_news_right_side]