Tantri Sthanethi

News of Tuesday, 9th April, 2013

મોતના ગણિત
પણ વાઇબ્રન્‍ટ !

રાજકોટમાં પરિવારની સામૂહિક આત્‍મહત્‍યા... લાગણી અને લાખો રૂપિયા વરસ્‍યા * ગામડાના એક પરિવારે ટ્રેન હેઠળ ઝંપલાવ્‍યું... કોઇને રસ ન પડયો

   સામૂહિક આત્‍મહત્‍યાથી થતાં મોતના ગણિત-વિજ્ઞાન ન સમજાય તેવા વિચિત્ર લાગી રહ્યા છે. રાજકોટમાં નેપાળી પરિવારે સામૂહિક આત્‍મહત્‍યા કરી તો ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો... રાજકોટ મહાપાલિકાજ દાનવીરની ભૂમિકા અદા કરીને મૃતકના પરિવાર પર લાખો રૂપિયા વરસાવ્‍યા. કોંગ્રેસે પણ પાછુ વાળીને ના જોયું. સમાજે પણ મૃતકનાં સ્‍વજનો પર લાગણી વરસાવી. આ કાંડથી મીડિયાને તો બખ્‍ખા જ થઇ ગયા હતાં. પારાવાર પ્રકાશિત-પ્રસારિત થયું...

   આ ઘટનાના બે-ત્રણ દિવસ બાદ જ વાંકાનેરના દલડી ગામ પાસે એક ગરીબ પરિવારે સામૂહિક રીતે ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું... ત્રણના મોત થયા. આ હતભાગીઓ પ્રત્‍યે કોઇને રસ ન પડયો. મીડિયા, સરકાર, સમાજે આ ઘટનાને સામાન્‍ય બનાવ તરીકે જ જોઇએ...

   કેમ આવું થયું ? નેપાળી પરિવારની ઘટનામાં અખબારોએ બેનર લાઇનો (મુખ્‍ય સમાચાર) બનાવી. ગામડાના પરિવારને સાવ સામાન્‍ય મહત્‍વ આપ્‍યું. નેપાળી પરિવાર માટે આખું રાજકારણ ધગી ગયું, ગામડાના પરિવારમાં રાજકીય ગીધડાંઓને પણ રસ ન પડયો. નેપાળી પરિવાર માટે માનવ અધિકારવાળા શીર્ષાસનની ભૂમિકામાં આવી ગયા, ગામડાંના માણસનો મૃતદેહ આ કોઇને પણ સ્‍વાદૃિષ્‍ટ ન લાગ્‍યો. નેપાળી પરિવાર માટે નાટકિયાઓ હજુ શ્રદ્ધાંજલી જેવા કાર્યક્રમો યોજે છે, ગામડાંની સામૂહિક આત્‍મહત્‍યામાં સમાજને પણ રસ નથી...

   મૃત્‍યુમાં ભેદભાવ એ સૌથી ભયાનક સ્‍થિતિ ગણાય. આત્‍મહત્‍યાઓના કારણોમાં તપાસકર્તાઓ પડે છે, પરંતુ નેપાળી અને કોળી બંને પરિવારના સામૂહિક આત્‍મહત્‍યાકાંડના પ્રાથમિક કારણો તપાસવા જેવા છે. નેપાળી પરિવારે ગેરકાયદે પચાવેલી જમીન ગુમાવવાના ભયથી આત્‍મવિલોપન કર્ર્યુ છે. જયારે ગામડાના કોળી પરિવારે આર્થિક ભીંસ, વધેલું દેવુ અને ઉઘરાણીવાળાના ત્રાસથી સામૂહિક આત્‍મહત્‍યા કરી છે. મીડિયા, સમાજ, રાજકારણીઓ બધાં નેપાળી પરિવાર પાસે રહ્યા... કોળી પરિવારની મરણચીસો સાંભળવા બધાંના કાન બહેરા થઇ ગયા.

   બંને ઘટનાઓના તારણો વિસ્‍ફોટક નીકળે છે. તારણોની ઝલક જોઇએ. ગેરકાયદે જમીન પચાવવાની તમારી વૃત્તિ હોય તો રાજકારણીઓ, સમાજ, મીડિયા, મહાપાલિકા, માનવ અધિકારવાળા બધાંજ તમારી સાથે છે. દુષ્‍કાળની સ્‍થિતિમાં લાચારીથી ગામડાંમાં સામૂહિક આત્‍મહત્‍યા કરશો તો કોઇ તમારી સાથે નથી... સૌરાષ્ટ્રમાં બનેલી આ બંને ઘટનાઓ જે શબ્‍દો હવે વાંચશો તે સમજવા જેવા છે. નેપાળી પરિવારના અગનખેલનું કારણ જોઇએ તો સામે  કોળી પરિવારની સામૂહિક આત્‍મહત્‍યાનું કારણ ‘‘ભયાનક\'\' છે. આ શબ્‍દો અંગે ઊંડાણથી ચિંતન કરવું જરૂરી છે.

   કાળઝાળ મોંઘવારી, કારમા દુષ્‍કાળની સ્‍થિતિથી ઘેરાયેલા એ ગામડાંનો પરિવારે કેરોસીનનું ડબલું ભરીને રાજકોટ આવીને ‘‘ખેલ\'\' ખેલ્‍યો હોત તો ? તેના મૃત્‍યુની ‘‘કિંમત\'\' કેટલી ગણાત ?  કલ્‍પના પણ અઘરી છે. મૃત્‍યુની બાબતમાં યમદૂતો પણ ભેદભાવ રાખતા નથી. આપણે યમદૂતોથી પણ વધારે ભયાનક બની ગયા હોઇએ તેમ નથી લાગતું ?

   વિકસિત ગુજરાતમાં મૃત્‍યુના ગણિત-વિજ્ઞાન પણ વાઇબ્રન્‍ટ બની ગયા હોય તેમ નથી લાગતું ? મહાપાલિકાના બિલ્‍ડિંગને સ્‍મશાન બનાવનારના સ્‍વજનો લાખોપતિ બને અને ગાડીના પાટાને મરણશૈયા બનાવનારના કોઇ ભાવ ન નીકળે... બોલો, જય-જય વરવી ગુજરાત!

 (03:34 am IST)
[social_media]
 
 
[all_news_right_side]