Tantri Sthanethi

News of Monday, 15th April, 2013

ડેડ
વોટર...
માછલાની
મરણ ચીસો

પાણી કરતા સદ્દવૃત્તિનો દુષ્કાળ વધારે આકરો સાબિત થશે

   દુષ્કાળે આકરો રંગ દેખાડવાનું શરૃ કરી દીધું છે. પાણી માટે માત્ર માણસ જ નહિ, જીવ માત્ર વલખા મારે છે. સૌથી વધારે ખરાબ સ્થિતિ જલ વગર જેનું જીવન એક ક્ષણ પણ શકય નથી તેવા જીવોની છે. આયોજનહિન તંત્રએ જળાશયોમાંથી ડેડ વોટર ઉપાડવાનું શરૃ કરતા માછલીઓ જેવા જીવોના જીવન ખતમ થઇ રહ્યા છે. દરરોજ લાખો માછલાં મરણચીસો નાખીને જગતમાંથી વિદાય લે છે...

   જીવદયાપ્રેમીઓએ આ સ્થિતિ ઉજાગર કરી છે. એક બાબત ઉલ્લેખનીય છે કે, અન્યની લાચારીનો ગેરલાભ લેવાની ઘણાંની વૃત્તિના કારણે \'જીવદયા\' શબ્દ હલકો થઇ ગયો છે. જીવદયાના નામે ભુતકાળમાં ઘણાં ખેલાડીઓએ પોતાની માયા ફેલાવી હતી, પરંતુ હાલનો અવસર ભુતકાળની કડવાશ યાદ કરવાનો નથી, વર્તમાનમાં સદ્દવૃત્તિનો વિસ્તાર કરવાનો છે.

   રાજકોટ મહાજન પાંજરાપોળે આજે માધ્યમો દ્વારા અપીલ કરી છે તે ખૂબ મહત્વની છે. \'\'જળાશયો-ડેમોના ડેડ વોટર ઉપાડવાનું બંધ કરો તો લા\'ખો માછલાંના જીવો બચી શકે છે.\'\'

   આ વાત અગત્યની છે. ડેડ વોટર તરીકે રહેલું પાણી પીવાને લાયક હોતું નથી. તંત્ર આ પાણી માણસોને પીવડાવશે તો ભયાવહ રોગચાળો ફાટી નીકળશે, ઉપરાંત જળાશયોમાં પાણીનું ટીપું નહિં બચે તો લાખો જીવોનો ખાત્મો થશે...આ પાપ સૌરાષ્ટ્રમાં શરૃ થઇ ગયું છે.

   ઘણાં દોઢ ડાહયા તર્ક કહે છે કે, જળાશયોમાંથી ડેડ વોટર ઉપાડવામાં નહિ આવે તો પણ બાષ્પિભવન દ્વારા એ ઉડી જવાનું છે. આવા લોકોને કહેવું જોઇએ કે, પ્રકૃતિ સર્વ શકિતમાન છે. આભ ફાટે ત્યારે થીગડું મારવાની માનવજાત પાસે ક્ષમતા નથી. દરેક જીવોના જન્મ-મોતનો નિર્ણય પ્રકૃતિ પાસે છે. પ્રકૃતિ તેનું કામ કરે જ છે. માણસની બદવૃત્તિના કારણે માછલાં જેવા જીવો કમોતે મારે એ પાપ છે. ડેડ વોટર ઉપાડવાનું તત્કાળ બંધ કરવું જોઇએ. કોઇને જીવન આપવા માણસ સક્ષમ નથી, તો કોઇ જીવનું મોત થાય તેવો નિર્ણય લેવાનો પણ અધિકાર ન જ હોય. ડેડ વોટર ઉપાડવાના આદેશ આપનાર અધિકારીઓ સામે આકરા પગલાં ભરવા જરૃરી છે. ડેમો ભરી દેવાની વાતો સૌરાષ્ટ્રે ખૂબ સાંભળી હતી. ભરો નહિ તો કંઇ નહિં, બે ટીપા પાણી બચ્યું છે તેને તો રહેવા દયો...

   ખેર, કાળા દુકાળમાં જીવ માત્ર પરેશાન છે. માણસ સિવાયના જીવો અસ્તિત્વ માટે તરફડી રહ્યા છે. આ સ્થિતિમાં અનેક શ્રેષ્ઠીઓએ વિશેષ સેવા આદરી છે. આ સમય પુણ્ય પ્રાપ્તિનો છે. જેના પર જવાબદારી છે એ સરકારે શું કર્યું? આ સવાલમાં પડયા વગર આપણાથી શું થાય તેમ છે? આ સવાલનું ચિંતન જરૃરી છે. અબોલ જીવો માટે થાય તેટલી સેવા કરવાનો અવસર છે. સુખી પરિવારો આર્થિક મદદ કરે, શ્રમિકો શ્રમનું દાન પણ આપી શકે છે.

   એક આગાહી પ્રમાણે દોઢેક મહિનામાં મેઘરાજની ધિંગી સવારી આવી જશે અને સુખના દરિયા ઘુઘવતા કરી દેશે... માનવ જાતની દોઢ મહિનાની સદ્દવૃત્તિ પણ કરોડો જીવોને બચાવી શકે છે. પાણીના દુકાળ કરતા સદ્દવૃત્તિનો દુકાળ આકરો હોય છે. માનવજાતે પ્રકૃતિને વટથી કહેવું જોઇએ કે, સદ્દવૃત્તિનો દુષ્કાળ અમે પડવા નહિ દઇએ...

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]