Tantri Sthanethi

News of Tuesday, 16th April, 2013

ઓબામા
વિસ્‍ફોટક,
મનમોહન
સૂરસૂરિયું !

   ૧૬ એપ્રિલ એટલે હાસ્‍ય અભિનેતા ચાર્લી ચેપ્‍લીનનો જન્‍મ દિન. આ અભિનેતાએ મૌન અભિનય આપીને દુનિયા આખીને ખડખડાટ હસાવી હતી. આપણા મનમોહનસિંઘ ચાર્લીભાઇના હરીફ છે. ભારતમાં ભયાનક સ્‍થિતિ છે છતાં વડાપ્રધાન મૌન રહીને દુનિયા આખીને રમૂજનો આનંદ આપે છે. ભારતમાં ત્રાસવાદી વિસ્‍ફોટો કરે ત્‍યારે દેશ બે દિવસ ઉફાણે આવે છે પછી ભૂલાઇ જાય છે. વિસ્‍ફોટો બાદ મનમોહન સૂરસૂરિયા કરવા માટે દુનિયાભરમાં જાણીતા બન્‍યા છે. ગઇકાલે અમેરિકામાં ત્રણ વિસ્‍ફોટો થયા, માત્ર ત્રણના મોત થયા, સમગ્ર અમેરિકા હાઇ એલર્ટ થઇ ગયું. ત્રાસવાદીની ઘોર ખોદવા ઓબામાએ શષાો સજાવી લીધા. વિસ્‍ફોટ બાદ સરકારની આક્રમકતા અનિવાર્ય છે. ઓબામાનું વિસ્‍ફોટક નેતૃત્‍વ હાહાકાર મચાવીને જ ઝંપશે.

                   *       *       *

   અમેરિકામાં થયેલા વિસ્‍ફોટોએ સાબિત કર્ર્યુ છે કે, માત્ર લાદેનના ખાત્‍માથી ત્રાસવાદનો અંત આવી જતો નથી. સમૃદ્ધ અમેરિકાને ઓબામાએ બુલેટપ્રૂફ જેવું બનાવી દીધું હતું, છતાં ત્રાસવાદી હુમલો થાય એ શરમજનક પણ ગણાય.

   ભારતમાં ત્રાસવાદી હુમલાની ઘટના રૂટીન બનાવ તરીકે લેવામાં આવે છે, પરંતુ ઓબામાને પોતાની જવાબદારીનું ભાન છે. તેઓએ અમેરિકામાં થયેલા હુમલાને અતિ ગંભીરતાથી લઇને તેના ખાત્‍મા માટે નક્કર આયોજન કરી લીધું છે. આ લક્ષણ ફરજનિષ્‍ઠ શાસકનું છે.

   ભારતમાં શું થાય છે ? હુમલો થાય ત્‍યારે રાજ્‍ય અને કેન્‍દ્ર વચ્‍ચે જવાબદારીની ફેંકા-ફેંકી થાય છે. તપાસના ગતકડાં ચાલે. તપાસમાં પાકિસ્‍તાનનો હાથ સાબિત થાય તો પણ મનમોહનો પાકિસ્‍તાનને કંઇ કહી શકતા નથી. કંઇ કરી શકતા નથી. પાક.નો વડોપ્રધાન ભારત આવે ત્‍યારે વિદેશ પ્રધાન સલમાન ખુરશીદો તેને ખુશ કરવા મુજરા કરતા જોવા મળે છે.

   એ તો ઠીક, વર્તમાન સમયમાં પણ આપણી મૂરખામી દુનિયા આખી જોઇ રહી છે અને મનમોહનો તાળી વગાડે છે. પાકિસ્‍તાનની છેલ્લી નાલાયકી બાદ આપણે તેની સાથે ક્રિકેટના સંબંધ બંધ કર્યા છે. હાલમાં ભારતમાં આઇપીએલનો જલ્‍સો ચાલે છે તેમાં પાકિસ્‍તાનના ક્રિકેટરોને ન રમાડવાનો નિર્ણય લેવાયો છે. આપણી મૂરખામીની હદ એ છે કે, આઇપીએલમાં પાકિસ્‍તાની એમ્‍પાયર સેવા આપે છે, રમીઝ રાજા જેવા પાકિસ્‍તાની પૂર્વ ક્રિકેટરો હાલ ભારતમાં છે અને સમીક્ષક તરીકે દરરોજ ટીવીના પડદે પ્રગટે છે. સવાલ એ ઉઠે છે કે, ત્રાસવાદી હુમલાની અસરરૂપે આપણે માત્ર પાક.ના વર્તમાન ક્રિકેટરોનો જ વિરોધ કરીએ છીએ ? તેના એમ્‍પાયર અને પૂર્વ ક્રિકેટરોને ભારતમાં પ્રવેશ શા માટે અપાયો છે ? આપણે ના-લાયક પાકિસ્‍તાનના વિરોધમાં છીએ. રમીઝ રાજાઓનો તત્‍કાળ ભારત નીકાલ થવો જોઇએ. આવા તત્‍વોને ઘુસાડનારાની ધરપકડો થવી જોઇએ.

   સરહદે જવાનના ડોકા કપાયા, અવારનવાર વિસ્‍ફોટો કરીને ભારતીયોના ફૂરચા ઉડાવ્‍યા છતાં રમીઝ રાજાઓને ભારતમાં જોઇને આપણામાં આક્રોશની જવાળા કેમ ઉઠતી નથી ? નાગરિકોમાં દમ ન હોય ત્‍યારે સૂરસૂરિયા કરનારા વડાપ્રધાનોને જલ્‍સા પડી જાય છે. અમેરિકામાં ત્રાસવાદી હુમલા બાદ ઓબામા આરપાર માટે સજ્જ ન થાય તો અમેરિકનો તેમને પાઠ ભણાવી દે છે.

   આપણી અ-જાગૃતતાના કારણે આપણે ચાર્લી ચેપ્‍લીનનના હરીફ જેવા વડાપ્રધાન મળ્‍યા છે. દુશ્‍મન દેશની રમીઝ રાજાઓ જેવી જીવાતો અહીં આવીને આપણું નાક કાપે છે છતાં કંઇ બોલતા નથી. લાગે છે કે, મનમોહને દુનિયાને રમૂજ પૂરી પાડવાનો કોન્‍ટ્રાકટ રાખ્‍યો હશે. ચાર્લીનું મનોરંજન ગૌરવપૂર્ણ હતું, આપણું શરમપૂર્ણ છે.

   ચાલો, આઇપીએલના વધુ એક મેચનો પ્રારંભ થવામાં છે. આપણે નાલાયક પાકિસ્‍તાનના રમીઝોને સાંભળવા સજ્જ થઇ જઇએ... રમીઝોની ઉપસ્‍થિતિ સાબિત કરે છે કે, આપણે મ-હા-ના-લા-ય-ક બનવા તરફ દોટ મૂકીએ છીએ.

   જે લોકોને ખુદની કંઇ પડી ન હોય એ નાગરિકો પ્રત્‍યે ભગવાન પણ હાથ ઉંચા કરી દેતા હોય છે. ફૂરચામાં ફૂંકાવવા તૈયાર રહેજો...

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]