Tantri Sthanethi

News of Thursday, 25th April, 2013

ચીન-

ભારતઃ

ગેઇલ સામે

પઠાણિયું!

   ચીને ભારતની હદમાં ૧૦ કિ.મી. અંદર સુધી ઘુસણખોરી કરી. ભારતે ચીનને પીછેહઠ કરવા કહ્યું, ચીને ઘસીને ના પાડી દીધી. બાદમાં ભારતના સંરક્ષણ પ્રધાન એ. કે. એન્‍ટેનીએ ભારતીયોને આશ્વાસન આપ્‍યું કે, આ સમસ્‍યાનો શાંતિપૂર્ણ ઉકેલ મંત્રણા દ્વારા શોધવામાં આવશે... બાંગ્‍લાદેશ, પાકિસ્‍તાન, નેપાળ જેવા ટચૂકડાં દેશો પણ ભારતને મનમોહન સરકારને મામા બનાવી જાય છે, ચીની શાસકો સામે યુપીએ શાસકોની તુલના માટે એક વાકય લખી શકાય.. ગેઇલ સામે પઠાણિયું ઉભું હોય તેવું દૃશ્‍ય છે!
                   *                          *                     *

   ભારતમાં આઇ.પી.એલ.નો જંગ ચાલી રહ્યો છે. દેશી-વિદેશી ક્રિકેટરો રોમાંચક રમત દેખાડી રહ્યા છે. તાજેતરમાં પુણે-બેંગ્‍લોર વચ્‍ચે ખેલાયેલા જંગમાં વિસ્‍ફોટક હાહાકાર મચી ગયેલો. બેંગ્‍લોર તરફથી રમતા વેસ્‍ટ ઇન્‍ડિઝના ખેલાડી ક્રિસ ગેઇલે મેદાન પર બેકાબૂ તોફાન સર્જયું અને પૂનાની બોલર્સના ગાભા-છોતરા કાઢી નાખ્‍યા... ગેઇલે ધુઆધાર પારી ખેલીને વિક્રમોની વણઝાર ખડી કરી દીધી. ૩૦ બોલમાં ૧૦૦ રન અને ૬૬ બોલમાં ૧૭પ રન વ્‍યકિતગત ખડકી દીધા. ગણી-ગણીને થાકી જઇએ તેટલાં ચોગ્‍ગા-છગ્‍ગા ફટકાર્યા. પુનાના ફિલ્‍ડરોને મેદાનની ભૂગોળ ભૂલાઇ જાય તેવો ઇતિહાસ રચી દીધો.

   યુસુફ પઠાણ નામના ક્રિકેટરને ભારતનો વિસ્‍ફોટક બેટ્‍સમેન માનવામાં આવે છે, જે હાલ કોલકાતા તરફથી રમે છે. ગઇકાલે કોલકાતા-મુંબઇની મેચમાં પઠાણ ગેઇલ બને તેવી આશાએ ઓપનિંગમાં રમવા મોકલ્‍યો. શું થયું? એક-બે ફટકા મારીને પઠાણનું સૂરસૂરિયું થઇ ગયું... ગેઇલ સામે પઠાણ ટાબરિયા જેવું સાબિત થયું.

   માત્ર પઠાણ જ નહિ, સચીન-યુવરાજ-મુરલી વિજય જેવા કહેવાતા સ્‍ટાર ક્રિકેટરો આઇ.પી.એલ.માં પોતાની જ ટીમની પથારી ફેરવવામાં મોટું યોગદાન આપે છે, છતાં ટીમમાં શા માટે છે અને તેની પાછળ ટોળા શા માટે રખડે છે? આવા પ્રશ્‍નો થાય તે સહજ છે. નિષ્‍ફળ ગયેલા ક્રિકેટરો મીડિયામાં સફળતાથી છવાય છે, આ બાબત આપણા રાષ્‍ટ્રીય ગણાતા માધ્‍યમો પર શંકા ઉપજાવે છે.

              *                              *                      *

   ગેઇલ જેવા વિસ્‍ફોટક ચીની શાસકો સામે આપણા મનમોહનો પઠાણિયા સાબિત થાય છે. પાકિસ્‍તાની ત્રાસવાદે આંધ્રમાં વિસ્‍ફોટો કર્યા ત્‍યારે મનમોહને ધમકી આપી હતી. ઓપનિંગમાં આવીને પઠાણે આક્રમકતા દાખવી હતી, પણ સાતમા બોલે સૂરસૂરિયું થઇ ગયું. મનમોહને આક્રમક ધમકી આપીને પોતાનું જ સૂરસૂરિયું કરી નાખ્‍યું. ફાલતું ગણાતા બાંગ્‍લાદેશ, નેપાળ, પાકિસ્‍તાન સામે મનમોહન ધોતિયું સાચવી શકતા નથી તો ચીન તો મહા ડ્રેગન છે. એ દશ કિ.મી. અંદર ઘુસી ગયું પછી પણ એન્‍ટોનીઓ મંત્રણાની માંડે છે... આ બાબત શાસકોની નબળાઇ દર્શાવે છે. આક્રમક નીતિ, વ્‍યૂહ અને નિષ્‍ઠાનો સદંતર અભાવ જોવા મળે છે. સચીન-પઠાણો સામે પ્રશ્‍ન સર્જાય છે એ જ મનમોહનો-એન્‍ટેનીઓ સામે સર્જાય છે. સતત નિષ્‍ફળ છતાં આ ટાબરિયાં જેવા નેતાઓ ‘ટીમ\'માં શા માટે છે? તેની પાછળ ટોળા શા માટે રખડે છે? આ નેતાઓ મીડિયામાં શા માટે છવાયેલા રહે છે?

   આઇપીએલની ટીમોના માલિકોને પોસાય છે તેથી પઠાણિયાં તાગડધિન્‍ના કરે છે. ભારત દેશના માલિક દેશના નાગરિકો છે, આપણે મનમોહનોને સ્‍પષ્‍ટ કહી દેવું જોઇએ કે, ગેઇલ બનો, નહિ તો રળતા થાવ. તમારી નિષ્‍ફળતા દેશના માલિકોને પોસાતી નથી...

   આવું બોલવાની કોઇનામાં હિંમત છે?

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]