Tantri Sthanethi

News of Wednesday, 1st May, 2013

વરવી,
નરવી,
ગરવી,
ગુજરાત
મોરી મોરી

અહીં દારુ બનાવવા પુષ્‍કળ પાણી છે, પીવા માટે પાણી નથી... કાયદા ગુન્‍હાખોરોને ફળે છે, ગુજરાતીને નડે છે... વિકાસ-અહીં રોટલી મોંઘી અને મોત સસ્‍તા છે... સ્‍વાઇન ફલુથી દુકાળ-સૌરાષ્ટ્ર તો રામ ભરોસે હોટલ જેવું છે...

   હેડિંગમાં ‘‘મોરી-મોરી\'\' શબ્‍દ વપરાયો છે. આ શબ્‍દને સ્‍વાદની દૃષ્ટિએ લો તો પણ ચાલશે. મોળા સ્‍વાદને કાઠિયાવાડી લઢણમાં ‘મોરું\' કહેવામાં આવે છે. મસાલેદાર ટેસ્‍ટ વગરનું એટલે મોળું. આજનું ગુજરાત દેશ-દુનિયામાં ખૂબ ચર્ચાય છે, ચમકે છે, પરંતુ ગુજરાતદિને  દૃષ્ટિ કરીએ તો ગરવી ગુજરાતના નરવી અને વરવી બંને સ્‍થિતિ નજર સામે આવે છે.

   સક્ષમ સરકારના સાનિધ્‍યમાં ગુજરાતીઓ નબળી જિંદગી જીવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોને બાદ કરો તો ગુજરાત સાવ ફિક્કુ લાગે છે. સૌરાષ્ટ્ર તો રામ ભરોસે હોટલ જેવું જ રહ્યું છે. અહીં સ્‍વાઇન ફલુથી લોકો મરે, હાઇકોર્ટ સરકારને ફટકાર લગાવે છતાં સક્ષમ સરકાર હલબલતી નથી. સૌરાષ્ટ્રમાં કાળઝાળ દુષ્‍કાળમાં જીવમાત્ર અસ્‍તિત્‍વ સામે જંગ ખેલે છે છતાં સક્ષમ ગણાતી સરકાર સાબરમતીના કિનારે બેસીને લીલા લહેર કરે છે...

   ગુજરાતમાં પીવાના પાણીની અછત છે, પરંતુ દારુ બનાવવા માટે જોઇએ તેટલું મળે છે. અહીં કાયદા ગુન્‍હાખોરોને ફળે છે અને આમ ગુજરાતીને નડે છે. જેલમાં ખૂંખાર ગુન્‍હાખોરો જલ્‍સા કરે છે, જેલ બહાર નિર્દોષ ગુજરાતીઓ રખડતા ઢોરની ઢીંકથી મરે છે.

   ગુજરાતમાં રોટલી મોંઘી છે, મોત સસ્‍તા છે. આમજન માટે વિચિત્ર સ્‍થિતિ છે, ગરીબીમાં સ્‍વમાનથી રહેવું હોય તો ભૂખે મરવું પડે છે... કોઇ ગરીબ મહાપાલિકામાં જઇને સળગી મરે તો તંત્ર ખુશ થઇને તેને પાંચ-પાંચ લાખ રૂા. આપે છે... અહીં તંત્ર સળગી મરવા પ્રોત્‍સાહન આપે છે. ગૌરવથી જીવવા માટે નહિ...

   જોકે કોઇપણ સરકાર તંત્રની બે બાજુ હોય છે. ગુજરાત સરકાર પોતાને અન્‍યથી અલગ-હટકે ગણાવે છે, પરંતુ ગુજરાતના એક-બે શહેરોને બાદ કરતા મોટાભાગનું ગુજરાત અમરસિંહ અને કેશવદાસના યુગમાં જીવતું હતું તેમજ જીવે છે.

   સાબરમતી ભરપૂર હોય એટલે આખા ગુજરાતમાં લીલા લહેર થઇ જતી નથી. સમગ્ર ગુજરાતને ધ્‍યાનમાં રાખીને નક્કર આયોજન થવું જોઇએ. આ બાબતનો અભાવ મોટાભાગના ગુજરાતીઓ અનુભવે છે. કોઇ સમસ્‍યા ઉઠે ત્‍યારે કેન્‍દ્રને જવાબદાર માનવાની ફેશન ગુજરાતમાં ચાલે છે. કેન્‍દ્ર-રાજય એ વ્‍યવસ્‍થા છે, આમજનનને તેમાં વધારે રસ ન હોય. પણ સવાલ એ ઉઠે છે કે, કેન્‍દ્ર આડું હાલતું હોય તો તમે દેશની સૌથી શકિતશાળી સરકાર ગુજરાતની ગણાવો છો. કેન્‍દ્ર સામે શકિત વાપરીને તેને સીધુ કરવાના પ્રયત્‍નો કેમ થતાં નથી ? પાણીની અછત માટે કેન્‍દ્રને જવાબદાર ગણવામાં આવે છે. કદાચ કેન્‍દ્ર જવાબદાર હશે, પરંતુ સવાલ એ છે કે, ચુંટણી પૂર્વે તમે નર્મદા નીરથી ડેમો છલકાવી દેવાની વાતો કરી હતી તેનું શું થયું ? ગુજરાત વિશિષ્‍ટ એટલા માટે છે કે, અહીં પાણી સાથે વચનો પણ બાષ્‍પિભવન થઇ જાય છે...

   ખેર, વરવી, ગરવી, નરવી જેવી હોય તેવી પણ ગુજરાત મોરી-મોરી છે. સક્ષમ સરકાર સામાન્‍ય ગુજરાતીઓનું ખરાઅર્થમાં કલ્‍યાણ કરે તેવી પ્રાર્થના આજના મંગલ દિવસે કરીએ.(૮.૩)

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]