Tantri Sthanethi

News of Tuesday, 7th May, 2013

માનવીની
ભવાઇ છે,
પન્‍ના નથી...

   ‘‘ભૂખ ભૂંડી છે ભાઇ, માનવી ભૂંડો નથી...\'\' તળપદી શૈલીમાં ઉચ્‍ચસ્‍તરીય તત્‍વજ્ઞાન પીરસનાર ગુજરાતના નામાંકિત સાહિત્‍યકાર પન્‍નાલાલ પટેલની આજે જન્‍મ જયંતી છે. ૭-પ-૧૯૧રના દિને જન્‍મેલા પન્‍નાજીએ ગુજરાતી ભાષાના ઘરેણા સમાન સાહિત્‍ય આલેખ્‍યું છે. ‘માનવીની ભવાઇ\' તેમના સર્જનનું અણમોલ રત્‍ન છે. આ સ્‍ટોરીમાં દુષ્‍કાળ અને પ્રેમનો વિષય લઇને પન્‍નાએ આમ આદમીની સમસ્‍યા અને લાગણીને ધારદાર વાચા આપી હતી. ‘માનવીની ભવાઇ\'માં તેમણે છપ્‍પનિયા દુષ્‍કાળને આલેખ્‍યો હતો. આજે તેરિયો દુષ્‍કાળ છે, ગામે-ગામ માનવીની ભવાઇ છે, પરંતુ અફસોસ છે કે તેને આલેખવા પન્‍ના નથી... કલમવીરોની કલમમાંથી આમ જનના પ્રશ્‍નો-લાગણીને વાચા આપવાને બદલે બાપુઓ અને રાજનીતિના મોટા માથાઓને ખુશ રાખવા કલમો ઢસડાય છે.

           *                      *                       *

   હાલ કાઠિયાવાડમાં કારમો દુકાળ છે. લોકોને પીવાનું પૂરતું પાણી પહોંચાડવામાં વાઇબ્રન્‍ટ ગણાતું મેનેજમેન્‍ટ નિષ્‍ફળ ગયું છે. નિષ્‍ફળતાનો પણ તંત્રને અફસોસ નથી. આ સંજોગોમાં ભાદરના સૂકાભઠ્ઠ પટમાં સૌરાષ્‍ટ્રને પાણી-પાણી કરી દેવાના સૂકાભઠ્ઠ ભાષણો થાય, કલમવીરો પાણીની અછતને ભૂલીને સૂકા વચનોનો વરસાદ કલમમાંથી નીતરાવે છે... વાઇબ્રન્‍ટના વાહકોને કોઇ પૂછતું નથી, ડેમો ભરવા હોય તે દિ\' ભરજો, આજે ઘેર-ઘેર માટલા ખાલી છે તેનું શું?

   આ આર્ટિકલના હેડિંગમાં એટલે જ લખ્‍યું છે કે ‘‘માનવીની ભવાઇ છે, પન્‍ના નથી...\'\' મોટા ભાગના મીડિયાના કલમવીરોને લોકોની ધ્રુજારી દેખાતી નથી વાઇબ્રન્‍ટ ધ્રુજારી જ દેખાય છે.

   આ સામે હાલનાં બહુવિધ ગુજરાતી સાહિત્‍યકારોની કલમો બાપુને ખુશ કરવા માટે જ ચાલતી હોય તેમ લાગે છે. ગુજરાતી સાહિત્‍ય અસ્‍મિતા ગુમાવી રહ્યું છે, પરંતુ બાપુઓના પર્વમાં ખુશામતની અસ્‍મિતા વધતી જાય છ ે. પન્‍નાલાલ ઓછું ભણેલા, પરંતુ ઉત્તમ કૃતિઓ આપીને અમર થઇ ગયા હતા... આજના ખુશામતિયાલાલો વધારે ભણેલા છે, પરંતુ તેઓએ હયાતીમાં જ પોતાની ઓળખાણ આપવી પડે છે.... પન્‍ના લોકોના કલમવીર હતા, ખુશામતલાલો બે-ચાર બાપુઓના કે રાજનેતા કલમવીરો બની ગયાં છે. આ ટોળકી એક-બીજાના વખાણ કરીને, સન્‍માનો કરીને અમર-મહાન બનવાના હાસ્‍યાસ્‍પદ પ્રયાસો કરી રહ્યા છે. સાહિત્‍યકારની ઓળખ તેની કૃતિ દ્વારા પ્રગટતી હોય છે. આજે કૃતિને બદલે ચહેરા ચમકાવવાનું મહત્‍વ વધ્‍યું છે. બેડોળ કૃતિ પર મેક-અપના થથેડાંવાળો ચહેરો કદાચ વેચાતો હશે, પણ વંચાતો નહિ હોય.

            *                 *                         *

   દેશહિતને નુકશાન કરતા બે કેન્‍દ્રિય પ્રધાનો ઝડપાઇ ગયા પછી પણ સત્તા ઉપર ચોટી રહ્યા છે. વિપક્ષ નૈતિકતાના ધોરણે રાજીનામાં માંગે છે, ખરેખર આ પ્રધાનોને હાંકી કાઢવા જરૂરી છે જ. સવાલ નૈતિકતાના હોય તો પ્રશ્‍ન એ પણ ઉઠે કે, લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી એ સત્તાધીશની નૈતિક અને બંધારણીય ફરજ છે. કેન્‍દ્રમાં મુખ્‍ય વિપક્ષ છે તે ગુજરાતમાં શાસક છે. પીવાના પાણી પહોંચાડવાની ફરજ પણ સૌરાષ્‍ટ્રમાં અદા થઇ શકતી નથી... નૈતિકતાના મુદ્દે પ્રશ્‍ન ઉઠે કે, તમે નૈતિક ફરજ અદા નથી કરી શકતા તો ખુરસી પર શા માટે ચોટ્‍યા છો? વચનો નહિ, પાણી આપો-નહિ તો રળતા થાવ...

   આવું કોઇ લખતું નથી કારણ કે આજે પન્‍ના નથી... આજે પન્‍નાલાલ હોત તો ? મસ્‍ત કૃતિનું તેઓ સર્જન કરત-જેનું શીર્ષક હોત-‘‘કલમની ભવાઇ!\'\' આ કૃતિનું પ્રથમ વાકય હોત- ‘‘પ્રસિધ્‍ધિ અને ખુશામતની ભૂખ ભૂંડી છે ભાઇ, સર્જક નહિં!\'\'

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]