Tantri Sthanethi

News of Wednesday, 8th May, 2013

રાવણરાજ
ફાવશે કે
કંસરાજ?

કર્ણાટકના પરિણામઃ ભ્રષ્‍ટાચારથી લથબથ ભાજપનો સફાયો, ભ્રષ્‍ટાચારમાં ગળાડુબ કોંગ્રેસનો જય જયકાર

   રામ-કૃષ્‍ણના યુગમાં રાવણ અને કંસ ભલે રાક્ષસ તરીકે વિખ્‍યાત બન્‍યા, પણ આ રાક્ષસો નૈતિક રીતે વેલ્‍યુવાળા હતા. આધુનિક રાક્ષસો નૈતિક વેલ્‍યુ પણ ધરાવતા નથી... રામયુગમાં રાવણના પરાજય બાદ વિભિષણરાજ આવતું, આજના યુગમાં રાવણના રાજકીય વધ બાદ કંસરાજ આવે છે... એ યુગમાં કંસમામો ભાણિયા માટે કાળ બન્‍યો હતો, આજના યુગમાં મામા-ભાણિયાની રાક્ષીસીવૃત્તિ સાથે મળીને મતદારો માટે કાળ બને છે...

   કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં આવું જ થયું. ભ્રષ્‍ટાચારથી લથબથ ભાજપીઓને-યેદિયુરપ્‍તાને તમાચો મારીને મતદારોએ કાઢયા અને ભ્રષ્‍ટાચારમાં ગળાડુબ કોંગ્રેસનો જય જયકાર થયો. અફસોસ છે કે અહીં રાવણનો વિકલ્‍પ કંસ છે અને કંસનો વિકલ્‍પ રાવણ...

   માત્ર કર્ણાટકમાં જ નહિ, યુપીમાં માયા-મુલાયમ, તામીલનાડુમાં જયા-કરૂણા, મહારાષ્‍ટ્રમાં એન.સી.પી., શિવસેના, બિહારમાં લાલુ... મોટા ભાગનાં પ્રાંતોમાં રાવણના વિકલ્‍પે કંસ જ છે. કેન્‍દ્રમાં પણ યુપીએ એનડીએ એટલે કે કંસની અને રાવણની ટોળકીના જ વિકલ્‍પ છે.

   ઉફાણે આવી ગયેલાં ભ્રષ્‍ટા ભાજપીઓને કર્ણાટકના મતદારોએ તમાચા માર્યા એ બાબત અભિનંદનીય છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે, આ લોકચુકાદો કોંગ્રેસના ભ્રષ્‍ટાચારને યોગ્‍ય ગણે છે? કેન્‍દ્રમાં પોતે ડુબી જાય તેટલો ભ્રષ્‍ટાચાર વહાવનાર કોંગ્રેસ માટે કર્ણાટકનો ચુકાદો સ્‍વચ્‍છતાના પ્રમાણપત્ર સમાન ગણાય? રાહુલો તો આ પ્રશ્‍નનો જવાબ ‘હા\' માનીને ઉછળી રહ્યા છે. વિચિત્રતા એ છે કે, ભારતમાં બે મોટા અને પ્રાદેશિક નાના-નાના રાક્ષસો સિવાય કંઇ વિકલ્‍પ નથી. અન્‍ના મેદાનમાં આવ્‍યા ત્‍યારે દેશ આખાને જબ્‍બર આશા બંધાઇ હતી, પણ કેજરીવાલોની રાક્ષસી વૃત્તિમાં અન્‍ના ફેકટરનું ધબાઇ નમઃ થઇ ગયું... આવા કેજરીવાલો પોતાને ભાજપ-કોંગ્રેસનો વિકલ્‍પ ગણાવે છે. જે માણસ થકી કેજરીવાલોને દેશમાં ઓળખ તે અન્‍નાને જ કેજરીવાલો પાટું મારી શકતા હોય તો લોકોનું શું થાય? ટૂંકમાં આપણી પાસે રાવણ કંસનો હાલના સંજોગોમાં કોઇ વિકલ્‍પ નથી.

   દેશની સ્‍થિતિ વિચારો. હાલ મનમોહન-સોનિયાની ટોળકીના અતિ ભ્રષ્‍ટ રાજથી ભારતીયો ગળે આવી   ગયા   છે.   ભ્રષ્‍ટ પ્રધાનોને હાંકી કાઢવા પણ સોનિયા મેડમ સુપ્રીમ કોર્ટના આગ્રહની રાહ જુએ છે. કોંગ્રેસ-યુપીએ સામે સ્‍વયંભૂ લોક આક્રોશ ઉઠયો છે. આ તકનો લાભ લેવા ભાજપ-એન.ડી.એ.ના અડવાણીઓ થનગને છે. મનમોહન જાય અને અડવાણી આવે તો શું થાય? કર્ણાટકમાં થયું એજ રાવણ જાય અને કંસ આવે!

   અડવાણીએ ખુલ્લેઆમ તેના પરંપરાગત મતદારોનો દ્રોહ કર્યો છે, ઉપરાંત કેન્‍દ્રીય ગૃહપ્રધાન-નાયબ વડાપ્રધાનપદે રહીને કંઇ ઉકાળ્‍યું નથી. પોતાની છબી બિન સાંપ્રદાયિક કરવા ભયાનક નાટક કર્યા. મૂળ વિચારધારાને તડકે મૂકીને મહમ્‍મદ અલી ઝીણાના ભગત થઇ ગયા. ચૂંટણીમાં લોકોએ તમાચા પણ મારી દીધાં, આટલું હોવા છતાં અડવાણીઓ મન મોહનનો વિકલ્‍પ બનવા થનગની રહ્યા છે. આવા શાસન પરિવર્તનથી બહુ હરખાવા જેવું નહિં રહે.

   રાવણ-કંસથી મુકિત માટે ચૂંટણી પ્રક્રિયામાં ધરખમ ફેરફારની જરૂર છે, પ્રચંડ લોકજાગૃતિની જરૂર છે. જ્ઞાતિ-કોમ-પ્રાંતવાદથી ભારતીયોએ ઉપર ઉઠવાની જરૂર છે. આવું નહિ થાય ત્‍યાં સુધી આપણે રાવણ-કંસને સહન કર્યે રાખવા પડશે.

              *                        *                 *

   કર્ણાટકમાં યેદિયુરપ્‍પાને કેશુબાપા જેવા બનાવી દેવા ભાજપે ખેલ નાખ્‍યો હતો, પણ યેદિએ બતાવી દીધું કે, મેં ગાંઠિયા નથી ખાધા, તીખા-તમતમતા મૈસુરી ઢોસા ખાધા છે. યેદિને બેઠકો ભલે ઓછી મળી, પણ પ૦ ટકાથી વધારે બેઠકો પર ભાજપની પથારી ફેરવી દીધી છે. સાબિત એ થાય છે કે, ભ્રષ્‍ટશિરોમણિ જ્ઞાતિના જોરે રાજયની પથારી ફેરવી શકે છે. શીખવાનું એટલું જ છે કે, ગાંઠિયા અને ઢોસાનો અતિ ઉપયોગ શરીરના અને રાજનીતિના આરોગ્‍ય માટે જોખમ સર્જે છે. રાક્ષસોની હોજરીની ખબર નથી, પણ માણસે તો કાળજી રાખવી જોઇએ!

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]