Tantri Sthanethi

News of Monday, 22nd July, 2013

ફિલ્‍મી
ડાગલાં
ગળે ચોટ્‍યા !

સલમાન-શાહરૂખનું મિલન થયું તેમાં મીડિયાએ બ્રેકિંગ ન્‍યૂઝનો મારો ચલાવ્‍યો... ભારત-પાક.ની સરહદો દૂર થઇ ગઇ હોય તેમ ન્‍યૂઝ ચમકાવ્‍યા

   ફિલ્‍મી દુનિયામાં બબૂચકને બાદશાહ તરીકે ઓળખવાનો રીવાજ છે અને ઢબંગ જેવા લબાડને દબંગ કહેવામાં આવે છે. આવા ડાગલાં છી જાય તો પણ સમાચાર બને છે, આ બાબત મીડિયાનું સ્‍તર દર્શાવે છે. ગઇકાલે રાત્રે અગિયાર વાગ્‍યાથી ટી.વી. ન્‍યૂઝ ચેનલોમાં બ્રેકિંગ ન્‍યૂઝનો મારો ચાલ્‍યો હતા- ‘‘શાહરૂખ અને સલમાન વચ્‍ચે અબોલા દૂર થયા, બંને એક-બીજાને ગળે લગાવ્‍યા.''

   ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે સરહદો દૂર થઇ ગઇ હોય તે રીતે ફિલ્‍મી ડાગલાંના સમાચાર ચગ્‍યા છે. આખી રાત આ ન્‍યૂઝને પ્રાધાન્‍ય અપાયું, સવારે પણ ચેનલોના મુખ્‍ય સમાચારમાં ડાગલાંના ગળા ચમકતા હતાં.

   બે વ્‍યકિત વચ્‍ચેનો વિવાદ દૂર થાય અને સંવાદ સધાય એ બાબત સારી ગણાય, પરંતુ આ મામલો વ્‍યકિતગત હોય. મોટાભાગનું ભારતીય મીડિયા ફિલ્‍મી દુનિયાની ફાલતુ બાબતોને મોટા ન્‍યૂઝ તરીકે અકારણ ચમકાવી રહ્યા છે. અહીં સરહદો પર જવાનોના ગળા દુશ્‍મનો કાપી જાય તેના કરતા ફિલ્‍મી સીતારાઓ ગળે ચોટે તેને મોટી ઘટના ગણવામાં આવે છે. પ્રેસ કાઉન્‍સીલના બહુ બોલકા કાત્‍ઝુઓ આ સામે મૌન રહે છે.

   સલમાન અને શાહરૂખ બંને અભિનય કરતા ગુન્‍હાખોરીના મામલે વધારે ચર્ચામાં રહ્યા છે. પાંચેક વર્ષ પહેલા બંને પ્રૌઢોને વાંધો પડતા બોલતા બંધ થઇ ગયા હતા. ગઇકાલે એક ધારાસભ્‍યની ઇફતાર પાર્ટીમાં બંને એક-બીજાને ગળે મળ્‍યા તેમાં સમાચાર જગત કથ્‍થક કરવા લાગ્‍યું. વાસ્‍તવમાં બોલવું- ન બોલવું એ વ્‍યકિતગત બાબત છે. ફિલ્‍મી દુનિયાનાં ડાગલાં તો ચર્ચામાં રહેવા બોલવા-ન બોલવાના નાટક કરતા હોય છે. નાના પડદાના પ્રભાવે ફિલ્‍મ જગતને મોટો ફટકો લગાવ્‍યો છે. મોટાભાગના લોકો ટોકીઝથી દૂર થઇ ગયા છે. પ્રસિદ્ધિ માટે હીરાઓએ ધોધમાર પૈસા ખર્ચવા પડે છે. ગામે-ગામ ગણ્‍યા-ગાઠયા આશિકો અને મીડિયાના જોરે નટ-નટીઓના ધંધા ચાલતા હોય છે, છતાં  જાણે મહાનુભાવ હોય તેમ ખુદને બાદશાહ અને દબંગ માનતા હોય છે.!

   આવા ન્‍યૂઝથી સમાચાર જગતની  વેલ્‍યુ અને વિશ્વાસ નિરંતર ઘટતા જાય છે. દેશમાં સવાસો કરોડની વસ્‍તી છે અને તેનાથી બમણા પ્રશ્નો છે, આ બધું તડકે મૂકીને કલાકો સુધી ફિલ્‍મી ડાગલાંના ન્‍યૂઝ પ્રસારિત થાય કે પાનાં ભરી-ભરીને પ્રકાશિત થાય તે બાબત ચિંતનીય છે.

   માત્ર શાહરૂખ-સલમાનની જ વાત નથી, અમિતાભની પૌત્રી, માધુરીના પતિ, અક્ષયનો કૂતરો, લતાજીનું ઘર, આદિત્‍ય પંચોલીના પડોશીઓ આવું બધું પણ સતત મીડિયામાં ચમકતું રહે છે,આ ઘટનાઓને તો ફિલ્‍મી દુનિયા સાથે પણ કંઇ લેવાદેવા નથી.

   અભિનયને બદલે ગુન્‍હાખોરીથી જાણીતા બનેલાં તત્‍વોને માન શા માટે આપવામાં આવે છે ? હવે તો આ ડાગલાં છી કરવા જાય ત્‍યારે પણ તેની પાછળ કેમેરો લઇને પહોંચી  જાય તો નવાઇ નહિ. છીના રંગ-સુગંધ-પ્રમાણ વગેરેનું વર્ણન-સમીક્ષા-તુલના-સર્વે કરવા જોઇએ ! આવી બાબતોના બ્રેકિંગ ન્‍યૂઝ પણ આપવા જોઇએ.

   ‘‘શાહરૂખ ગયો !'' ,‘‘સલમાન ગયો, પણ પરિણામ ન આવ્‍યું. !'' ‘‘અભિષેકની દીકરીએ દાદા અભિતાભના કપડાં ખરાબ કર્યા !'', ‘‘જેલમાં સંજય અઠવાડિયાથી નથી ગયો!''

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]