Tantri Sthanethi

News of Tuesday, 23rd July, 2013

તુમ મુઝે
યુ ભૂલા
ન પાઓ ગે..

રેડિયોનો યુગ ભલે નથી, પણ આ માધ્‍યમની ભૂલી જવું એ અઘરી બાબત છે

   

   

   આજનો દિવસ ઇતિહાસની દૃષ્ટિએ અમૂલ્‍ય છે. આજે ક્રાંતિવીર ચંદ્રશેખર ‘આઝાદ', લોકમાન્‍ય બાળગંગાધર ટિળકની જન્‍મ જયંતિ છે. આધ્‍યાત્‍મિક વિભૂતિ શ્રી મોટાનો નિર્વાણદિન છે. હિન્‍દુસ્‍તાનની આ વીરલ વિભૂતિઓને શાબ્‍દિક વંદના કરીને આગળ વધીએ.

                   *       *       *

    આજે એક સુરીલા માધ્‍યમનો પણ મહત્‍વપૂર્ણ દિવસ છે. ર૩ જુલાઇ ૧૯ર૭ના દિવસે મુંબઇથી ભારતની નિયમિત રેડિયો પ્રસારણ સેવાનો પ્રારંભ થયો હતો. ટેકનોલોજીના વિસ્‍ફોટક યુગમાં આજે વિજાણુ માધ્‍યમના જંગલ ખડકાયા છે. રેડિયોનો યુગ ભલે રહ્યો નથી, પરંતુ આ માધ્‍યમને ભૂલી જવું એ ખૂબ અઘરી બાબત છે.

   ભારતમાં લગભગ પ૦ વર્ષ રેડિયોએ એક ચક્રી શાસન ભોગવ્‍યું હતું. ટીવીના આગમનથી રેડિયોની લોકપ્રિયતામાં ઝાંખપ આવવા લાગી અને આજે ઘેર ઘેર ટીવીના સામાજ્‍ય વચ્‍ચે રેડિયો ગુમ થઇ ગયો છે. જોકે, ટીવીની દશા રેડિયો જેવી કરવા ઇન્‍ટરનેટ સજ્જ બની ગયું છે.

   દરેક માધ્‍યમની પોતાની આગવી વિશેષતા છે. માધ્‍યમને મનોજગત સાથે ગાઢ સંબંધ છે. મનોજગતની દૃષ્ટિએ ટીવી-ઇન્‍ટરનેટને ગરમ માધ્‍યમ અને રેડિયોને ઠંડુ માધ્‍યમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાન ટીવી દૃશ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમ છે, તેથી દર્શકે મનનો-ખુદની શકિતનો ઉપયોગ કરવો પડતો નથી. ટીવીને જોઇ સાંભળી શકાય છે. રેડિયો માત્ર શ્રાવ્‍ય માધ્‍યમ છે, તે સાંભળી શકાય છે. રેડિયોમાં શ્રોતા જે સાંભળે છે તેના દૃશ્‍યની કલ્‍પના કરવી પડે છે. મનોવિજ્ઞાન અનુસાર આ માધ્‍યમ લોકોની કલ્‍પના શકિત પાવરફૂલ બનાવે છે. ટીવીથી કલ્‍પના શકિત ક્ષીણ થાય છે આજે રેડિયો ભલે ઓછો સંભળાય, પરંતુ માધ્‍યમની દૃષ્ટિએ તે અનન્‍ય છે.

   ભારતમાં રેડિયો-આકાશવાણીનો ઇતિહાસ ‘સરકારી વાજિંત્ર' જેવો રહ્યો છે. વૈકલ્‍પિક માધ્‍યમનો ન હતાં ત્‍યારે રેડિયોએ દાદાગીરી કરી હતી. ફિલ્‍મી ગીતોના પ્રસારણ દ્વારા લોકપ્રિયતાની ટોંચ પણ પ્રાપ્ત કરી હતી. માધ્‍યમોનો વિકલ્‍પ વધતા રેડિયોની પડતી થવા લાગી. એક સમય હતો, કોઇ નેતુ ગુજરી જાય તો રાષ્ટ્રીય શોકમાં રેડિયોમાં બે દિવસ સુધી મરશિયા સંગીત સાંભળવા શ્રોતા માટે ફરજિયાત બની જાય. આવા મરશિયા હાસ્‍યાસ્‍પદ હતાં, સરકારી વાજિંત્રની આ ત્રાસદાયી વૃત્તિ હતી. આ ઉપરાંત સરકારની અતિ દખલ, અધિકારીઓની વહાલા-દવલાની નીતિ વગેરે કારણે વિકલ્‍પો વધતા આકાશવાણીને પછડાટ મળી.

   આજે ઠંડા માધ્‍યમ રેડિયોની સ્‍થિતિ જુદી છે. એક સમયે સાવ ભૂલાઇ ગયેલો રેડિયો પાછો જીવંત થયો છે. આ માધ્‍યમમાં પણ ખાનગી રેડિયો ચેનલનું આગમન થયું છે. વિવિધ એફ.એમ. ચેનલો રેડિયોમાં સાંભળવા મળે છે. જોકે, ખાનગી ચેનલોએ શ્રોતાઓની નાડ પારખવામાં થાપ ખાધી છે, સરકારી દખલ વચ્‍ચે પણ વિવિધ ભારતીએ ફરી દેશમાં પ્રભાવ જમાવ્‍યો છે. ખાનગી રેડિયો ચેનલો તો મનોરંજનને બદલે મનો-ત્રાસ જેવો ઘોંઘાટ જ મોટાભાગે પ્રસારિત કરે છે. રેડિયો જોકીની બક-બક ભવ્‍યને બદલે ભયાનક જેવી લાગે છે. હવામાં ઉડતા આવા બક-બકચંદ્રો ખાનગી રેડિયો ચેનલથી વિશાળ શ્રોતા વર્ગને દૂર રાખે છે. આની તુલનાએ વિવિધ ભારતી દેશભરમાં શ્રોતાઓને આકર્ષે છે.

   તકલીફ રેડિયો ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટની હતી, પરંતુ લેટેસ્‍ટ ટેકનોલોજીની કમાલે થોડી ઘણી રેડિયોને પણ ફળી છે. મોબાઇલ ફોનમાં જ રેડિયો સુવિધા ઉપલબ્‍ધ બનતા હવે રેડિયો સાંભળવા અલગ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટની જરૂરત રહી નથી. રેડિયો સાંભળવો સરળ બન્‍યો છે અને સાંભળનારા પણ વધ્‍યા છે. આ માધ્‍યમને હાલના સંજોગોમાં અસ્‍તિત્‍વ ટકાવવા બાટલા ચઢી ગયા છે. ખાનગી રેડિયો ચેનલો કે, સરકારી વાજિંત્ર શ્રોતાઓની નાડ પારખવામાં નિષ્‍ફળ નીવડશે તો ફરી રેડિયો ડચકા ખાવા લાગશે. જોકર જેવાં જોકીઓ રેડિયોને જીવાડવા માટે સક્ષમ દેખાતા નથી. વિદેશી નકલથી દેશમાં માધ્‍યમો નથી ચાલતા એ જોકીઓના બક-બકથી સાબિત થઇ ગયું છે, અન્‍યત્ર ‘થપ્‍પા' મારવાને બદલે લોકો રેડિયો પર થપ્‍પો મારે તે અંગે રેડિયો જગતે ચિંતન કરવું પડશે.

   અસ્‍તિત્‍વ માટે ભલે ડચકા ખાવા પડે, પણ રેડિયો માધ્‍યમ આત્‍મવિશ્વાસથી લલકારે છે કે, ‘તુમ મુઝે યુ ભૂલા ન પાઓ ગે... સંગ-સંગ તુમ ભી ગુનગુનાઓ ગે...'

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]