Tantri Sthanethi

News of Wednesday, 24th July, 2013

મીરા
હો ગઇ
છગન..!

ફિલ્‍મ નિર્માતા મીરા નાયર અચાનક પેલેસ્‍તાઇન-પાકિસ્‍તાનપ્રેમી બની ગયાઃ આ ક્ષેત્રે મહેશ ભટ્ટોની અછત નથી

   પ્રાચીનકાળમાં મીરા કૃષ્‍ણ ભકિતમાં મગ્ન બની હતી, તેથી અમર રચના આલેખાઇ- ‘‘મીરા હો ગઇ મગન...'' હાલની એક મીરા પોતાની ફિલ્‍મ માટે મગ્ન બની છે. આપણી વિદેશનીતિને આડઅસર કરે તેવી પ્રક્રિયા કરવા પણ આ ફિલ્‍મ નિર્માતા અચકાયા નથી. આ માટે ભજન લખવું પડે- ‘‘મીરા હો ગઇ છગન..!''

   ભારતીય-અમેરિકન ફિલ્‍મ નિર્માતા મીરા નાયરે ઇઝરાઇલમાં યોજાયેલા હાઇફા આંતરરાષ્ટ્રીય ફિલ્‍મોત્‍સવનો બહિષ્‍કાર કર્યો છે. કાર્યક્રમમાં જવું ન જવું એ વ્‍યકિતગત પ્રશ્ન છે, પરંતુ મીરાએ બહિષ્‍કારનું કારણ રજૂ કર્ર્યુ એ વિચિત્ર છે. તેમણે કહ્યું કે, પેલેસ્‍તાઇન પર કબજો દૂર થશે ત્‍યારે હું ઇઝરાઇલ જઇશ ! તેમણે એમપણ કહ્યું કે, ઇઝરાઇલમાં રંગભેદની નીતિનો અંત આવે ત્‍યારે હું ઇઝરાઇલ જઇશ!!

   દરેકનો અભિપ્રાય વ્‍યકિતગત હોઇ શકે છે. મીરાજી અત્‍યાર સુધી ઇઝરાઇલના વિરોધી ન હતા, અચાનક ઇઝરાઇલના વિરોધમાં ‘મગન' કેમ થઇ ગયા ? થોડી ખણખોદ અને થોડું ચિંતન કરો તો કારણ નજર સામે આવી જાય. મીરાજી મોટાભાગે વિવાહી વિષયો પર ફિલ્‍મ નિર્માણ કરે છે અને ચર્ચામાં રહે છે.

   આ નિર્માતાએ પાકિસ્‍તાની નવલકથા અંગ્રેજીમાં ભાષાંતર કરાવીને તાજેતરમાં એક ફિલ્‍મનું નિર્માણ કર્ર્યુ છે. અમેરિકામાં ૯/૧૧ના હુમલા બાદ બનેલી આ ફિલ્‍મ ‘‘ધ રિલકટન્‍ટ ફન્‍ડામેન્‍ટાલીસ્‍ટ''માં ત્રાસવાદી હુમલા બાદ અમેરિકામાં મુસ્‍લિમ પુરુષોને પડતી મુશ્‍કેલીઓ આલેખવામાં આવી છે. આ વિષયની ફિલ્‍મમાં ઇસ્‍લામિક રાષ્ટ્રોના દર્શકોને રસ પડે એ સ્‍વાભાવિક છે. ઇસ્‍લામિક દર્શકો આ ફિલ્‍મ જુએ તો મીરાજી આર્થિક રીતે તરી જાય...

   પોતાની ફિલ્‍મ ધમધોકાર ધંધો કરે તે માટે મીરાજીએ વૈચારિક નાટક છેડવું પડે. આ દૃષ્ટિકોણથી મીરા નાયરે ઇઝરાઇલનો વિરોધ કર્યો હોય તેમ માનવું જરા પણ ભૂલ ભરેલું નથી. મોટાભાગના ઇસ્‍લામિક રાષ્ટ્રો ઇઝરાઇલના વિરોધી છે. ઇઝરાઇલથી લગભગ ધ્રુજે છે. મીરા નાયર ઇઝરાઇલનો વિરોધ કરે તો તેમની ફિલ્‍મને ઇસ્‍લામિક રાષ્ટ્રોમાં હૂંફ મળે.

   ફિલ્‍મને હીટ બનાવવા નિર્માતાથી માંડીને કલાકારો ગમે તે હદે જાય છે. ભારતમાં મહેશ ભટ્ટોને વારંવાર બિનસાંપ્રદાયિકતાના-માનવ અધિકારના હુમલા આવે છે, આ પાછળ પણ આવા કારણો હોય છે. સરહદે જવાનનું ગળું કપાય તેમાં મહેશોને માનવ અધિકારનો ભંગ ન દેખાય, પરંતુ ગુજરાતના રમખાણ મામલે દર છ મહિને મીડિયા સામે એકાદ રમખાણગ્રસ્‍તને લાવીને માનવ અધિકાર ભંગના રાગડા તણાય છે...

   મીરા નાયરે આ ખેલ આંતરરાષ્ટ્રીયસ્‍તરે આદર્યો છે. ભારત માટે ઇઝરાઇલ આદર્શ અને પ્રેરણાના ધોધ જેવો દેશ સાબિત થઇ શકે છે, પરંતુ મીરાજી ઇઝરાઇલના વખાણ કરે તો પાકિસ્‍તાની નવલકથામાંથી બનેલી પોતાની ફિલ્‍મ નિષ્‍ફળ જાય !

   મીરાજી ઇઝરાઇલને ઘુસણખોર, રંગભેદિયું ગણાવે છે. આ સામે સવાલ ઘણાં ઉઠે છે. મીરા અમેરિકામાં ધામા નાખીને રહે છે. અમેરિકાની આગેવાનીમાં ઇરાક-અફઘાન વગર કારણે ખુવાર થઇ ગયા, હજુ ત્‍યાં અમેરિકાનો પ્રભાવ-કબજો છે, તે સામે મીરાને વાંધો નથી ? અમેરિકાનો બહિષ્‍કાર કેમ કરતા નથી ? તાજેતરમાં જ ઓબામાએ પરોક્ષ રીતે કબૂલ્‍યું છે કે, અમેરિકામાં હજુ રંગભેદનો પ્રભાવ છે, આ સામે મીરા કેમ મૌન છે ? આ મુદ્દે અમેરિકાનો ત્‍યાગ કેમ નથી કરતા ?

   આવા પ્રશ્નોના જવાબ ન મળે, પણ પરિણામ મળે. પોતાની ફિલ્‍મ જૂની થઇ જાય ત્‍યારે મીરાજીને ફરીથી ઇઝરાઇલમાં ખુમારીના દર્શન થવા લાગે. ઇઝરાઇલી વિષય પર મીરા ફિલ્‍મ નિર્માણ કરે તો એ પેલેસ્‍તાઇનને પણ ગાળો દેતા ન અચકાય.

   મીરાજીને એટલું જ કહેવાનું કે, ઇસ્‍લામિક રાષ્ટ્રોને કદાચ તમારા જેવાની હૂંફની જરૂર હોઇ શકે, ઇઝરાઇલ જેવા દેશનું આત્‍મબળ મજબૂત-તીવ્ર છે, તમે છગન થાવ કે છનન.. એમને કંઇ ફેર પડતો નથી.(૮.૩)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]