Tantri Sthanethi

News of Thursday, 25th July, 2013

સાસુ
કરતા
વહુ સવાયા !

ઇન્‍દિરાએ ગરીબી હટાવવાનું સૂત્ર આપેલું, સોનિયાએ ગરીબો હટાવ્‍યાઃ રૂ. ર૮માં સોનિયાજીનું કૂતરું પણ ભરપેટ ભોજન ન કરી શકેઃ વ્‍યાખ્‍યા બદલવાથી ગરીબી નહિ, આબરુ ઘટે...

   

   ગરીબ હોવું એ પૃથ્‍વી પરનો મોટો શ્રાપ છે. આવા શ્રાપિતોની સંખ્‍યામાં ભારત સમૃદ્ધ છે. ગરીબો માટે વિવિધ યોજનાઓ અમલમાં હોય છે. કોઇ પણ સરકાર માટે ગરીબ વસ્‍તી એ કલંક સમાન છે. આ કલંક દૂર કરવું એ સરકારની ફરજ છે. અર્થશાષાી મનમોહનસિંઘે ગરીબી દૂર કરવા અર્થતંત્રના જાદુ કરવાને બદલે અનૈતિકતાનો જાદુ કર્યો. એક રાત્રીમાં ભારતમાંથી ૧૭ કરોડ ગરીબો ગુમ થઇ ગયા !

   આખા દેશના અર્થતંત્રનું આયોજન કરવાની જેમની જવાબદારી છે તે આયોજન પંચે પ્રપંચ કરીને જાહેર કરી દીધું કે, ગામડાંમાં જે પરિવાર રૂ. ર૮ કમાય અને શહેરોમાં રૂ. ૩૪ કમાય તે ગરીબ નથી ! આ વિચિત્ર વ્‍યાખ્‍યા અમલી બને તો દેશમાંથી એક ઝાટકે ૧૭ કરોડ જેટલાં ગરીબો દૂર થઇ જાય. ૧૭ કરોડ લોકો ગરીબીની વ્‍યાખ્‍યામાંથી દૂર થઇ ગયા, પણ તેમની ગરીબી દૂર નથી થઇ..

   ગરીબની વ્‍યાખ્‍યામાં ફીટ થાય તેને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળવા પાત્ર રહે, ગરીબીમાં થોડી રાહત થાય. પરંતુ મનમોહન સરકારના અનૈતિક ખેલથી કરોડો ભારતીયોએ ગરીબીનો ‘વૈભવ' પણ ગુમાવી દીધો છે. આ બાબત કેન્‍દ્ર સરકારની નૈતિક અને બૌદ્ધિક નાદારી સમાન છે.

   ઇન્‍દિરા ગાંધીના યુગમાં કોંગ્રેસે ગરીબી હટાવવાનું મહાસૂત્ર આપીને સત્તા પ્રાપ્ત કરી હતી. ગરીબી ત્‍યારેય દૂર થઇ ન'તી અને અત્‍યારે દૂર થવાની બાબત તો દૂર રહી, વધી છે. સાસુમાએ આપેલા સૂત્રને વહુએ સવાયું સાબિત કર્ર્યુ છે. સોનિયાવહુના પ્રભાવમાં ચાલતી કેન્‍દ્ર સરકારે ગરીબીને બદલે ગરીબોને જ એક ઝાટકે દૂર કરી દીધા !

   વાસ્‍તવિકતાથી પારવાર દૂર જઇને આંકડાની માયાજાળ રચીને સરકારનું -ભારતનું ચિત્ર ઉજળું દેખાડવાનો આ રાક્ષસી પ્રયાસ છે. પ્રાથમિક જરૂરીયાતો પણ ન સંતોષી શકે તેવા કરોડો ભારતીયો હવે પોતાને ગરીબ કહેવડાવવાનો અધિકાર પણ ગુમાવી દેશે. ઘરમાં પાંચ વ્‍યકિતનો પરિવાર હોય અને ૩૦ રૂ. જેવી રોજની આવક હોય, હાંડલા કૂસ્‍તી કરતા હોય છતાં સરકારી ચશ્‍માથી તેઓ સુખી પરિવારના લોકો ગણાશે.

   ફૂગાવો સતત વધી રહ્યો છે. રૂપિયાનું મૂલ્‍ય ગગડી રહ્યું છે. જીવન જરૂરી વસ્‍તુઓ મોંઘીદાટ બની રહી છે. મધ્‍યમ વર્ગને પણ ગરીબીનો અનુભવ થઇ જાય તેવી સ્‍થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આ સંજોગોમાં સરકારે પૂરી તાકાતથી ફૂગાવો-અર્થતંત્ર-સટ્ટા પર કાબૂ મેળવવાનો હોય, પરંતુ સરકારની ઉર્જા ગરીબીની વ્‍યાખ્‍યા બદલીને સ્‍થિતિ સારી દેખાડવા માટે વપરાય છે... આ બાબત ગરીબો સાથે ક્રુર મજાક સમાન છે.

   સોનિયા ગાંધીને ત્‍યાં કૂતરો હોય અને માહિતી અધિકાર હેઠળ તેનો સમાવેશ થતો હોય તો માહિતી માંગવી જોઇએ કે, રૂા. ર૮માં આ ડોગી ભરપેટ ભોજન લઇ શકે છે ? વહુજીના શ્વાનનો ખર્ચ કલાકના રૂ. ર૮ હોય તેવો અંદાજ છે. આ વહુજીની દૃષ્ટિએ નાગરિક કરતા કૂતરાની વેલ્‍યુ વધારે છે.

   ગઇકાલે રાત્રે કરાંચીમાં એક આヘર્યજનક ઘટના બની. ત્રાસવાદ શિરોમણી ગણાતી આઇ.એસ.આઇ.ના કાર્યાલય પર હુમલો થયો ! આત્‍મઘાતી વિસ્‍ફોટોમાં ચારેકના ફૂરચા ઉડયા, ૩પ ઘાયલ થયા... ઘર ફૂટે ઘર જાય તેવી આ ઘટના છે. ભારતમાં પણ મનમોહનસિંઘ, મોન્‍ટેકસિંહ, દિગ્‍વીજયસિંહ જેવા વૈચારિક આત્‍મઘાતીઓ સાથે મળીને દરરોજ ૧૦-જનપથને હચમચાવી નાખે તેવા વિસ્‍ફોટો કરે છે... ઘર ફૂટે ઘર જાય, બીજુ શું ? ભવિષ્‍યમાં રાજકીય ઇતિહાસ લખાશે- ‘વહુએ વગોવ્‍યા નેહરુના ખોરડા !'

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]