Tantri Sthanethi

News of Wednesday, 31st July, 2013

બેસૂરા
ગાણા,
તેલંગાણા !

   ગાયકીના બાદશાહ મહંમદ રફીની પુણ્‍યતિથિએ દેશની રાજનીતિમાં બેસૂરા ગાણા છેડાયા છે. રફી સા'બે હૈયાને ડોલાવે તેવા ગીત ગાયા હતા, રાજનીતિએ હૈયુ હચમચાવે તેવા ગાણા આદર્યા છે. ગઇકાલે અલગ તેલંગાણા રાજયની ઘોષણા યુપીએ સરકારે કરી. ૯ વર્ષના હિંસક વિખવાદ બાદ યુપીએ સરકાર માટે આ અંગે નિર્ણય લેવો અનિવાર્ય થઇ ગયો હતો. ચૂંટણી માથે ગાજે છે ત્‍યારે આ નિર્ણય મતની રોકડી કરવા માટે થયો છે. હજુ સૈદ્ધાતિક નિર્ણય લેવાયો છે, ર૯માં તેલંગાણા રાજય માટે લાંબી પ્રક્રિયા થવાની બાકી છે. વિચિત્રતા એ છે કે, દશ વર્ષ સુધી હૈદરાબાદ આંધ્ર અને તેલંગાણાની સંયુકત રાજધાની રહેશે... એક ડગલામાં બે શરીર ગોઠવવાનું પરાક્રમ મનમોહન સરકારે કર્ર્યુ છે.

   તેલંગાણાની ઘોષણા થતા જ દેશના અનેક પ્રાંતોમાં અસર-આડઅસર શરૂ થઇ ગઇ છે. ખુણે-ખુણેથી અલગ-અલગની માંગ શરૂ થઇ ગઇ છે. હરિત પ્રદેશ, પૂર્વાંચલ, બુંદેલખંડ, વિદર્ભ, ગોરખાલેન્‍ડ, કામતપુર વગેરે વિસ્‍તારોમાંથી અલગ રાજયોની માંગ તીવ્ર બનવા લાગી છે. ગોરખાલેન્‍ડ માટે ગઇકાલે જ મશાલ સરઘસ યોજાયું હતું, જે હિંસક પણ બન્‍યું હતું. આ રીતે અલગ વિદર્ભ માટે પણ ગરમા-ગરમ નિવેદનો શરૂ થઇ ગયા છે. બુંદલખંડ, હરિત પ્રદેશ અલગ રાજય માટે મહાસંમેલનોની તૈયારી થવા લાગી છે.

   અલગ રાજય એ વહીવટી વ્‍યવસ્‍થાનો ભાગ છે, પરંતુ હાલની માંગણીઓ મોટાભાગે રાજનીતિ પ્રેરિત છે. લોકસભાની ચૂંટણી સુધી આવી લડતો ઉગ્ર બનશે, મોટાભાગે આ માટે પ્રાદેશિક પક્ષો પડમાં આવશે. ચૂંટણી બાદ બધાંના ફૂગ્‍ગા ફૂટી જશે.

   સૌરાષ્ટ્રમાં પણ અમૂક ખાટસ્‍વાદિયા અલગ સૌરાષ્ટ્રની માંગણીના નિવેદનો ફટકારીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરશે. પોતાના ઘરમાં પણ જેનું કોઇ સાંભળતું ન હોય તેવા આ નેતાઓ અલગ સૌરાષ્ટ્રના ઝંડા લઇને વારંવાર નીકળી પડે છે. સૌરાષ્ટ્રનું ગાંધીનગર કે દિલ્‍હીમાં કંઇ ઉપજતું નથી એ બાબત સાચી છે, પરંતુ અલગ સૌરાષ્ટ્રના ઝંડાધારીઓનું પોતાની શેરીમાં પણ કંઇ ઉપજતું નથી એ બાબત પરમ સત્‍ય છે. આવા લોકોની અલગની માંગણીનો ધ્‍યેય માત્ર નિવેદનો ફટકારવાનો હોય છે.

   આગળ લખ્‍યું તેમ વધેલી વસ્‍તીની સુવિધા ખાતર અલગ રાજયની રચના એ વ્‍યવસ્‍થાનો એક ભાગ છે. સરકાર માટે આ બાબતનો નિર્ણય મહત્‍વનો ગણાય. આવી માંગણીઓ પર હિંસાત્‍મક ભડકાં ન થાય તેની તકેદારી સરકારોએ રાખવી જોઇએ. મહત્‍વનો નિર્ણય લેતા પૂર્વે પ્રાંતીય સરકાર, લોકો-રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા જોઇએ. બને તેટલો ઝડપથી નિર્ણય થવો જોઇએ. તેલંગાણા રાજયનો નિર્ણય લેતા ૯ વર્ષનો સમય લાગ્‍યો. અનેક લોકો આ માટે શહીદ થયા, નિર્ણય થયા પછી શું ? ખુદ કોંગ્રેસ અને યુપીએમાં પણ આ નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠયો છે. નવ વર્ષમાં સરકારે અન્‍યને તો ઠીક, પરંતુ કોંગીજનોને પણ પૂરા વિશ્વાસમાં લીધા નથી !

   આ કારણે તેલંગાણાનો નિર્ણય આ બધી દૃષ્ટિએ બેસૂરા ગણા જેવો થઇ ગયો છે. નિર્ણય હિંમતભેર થવો જોઇએ, નિર્ણય સમજદારીથી થવો જોઇએ, નિર્ણય લોકોની સુખાકારીના દૃષ્ટિકોણથી થવો જોઇએ, નિર્ણય રાજકીય એજન્‍ડાથી પર હોવો જોઇએ, નિર્ણય વિશ્વાસના આધાર પર હોવો જોઇએ... આવા નિર્ણયીકરણની આશા મનમોહન સરકાર પાસે રાખી ન શકાય.(૮.૩)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]