Tantri Sthanethi

News of Thursday, 1st August, 2013

ભાજપ
‘શત્રુ'થી
સમૃદ્ધ

દરરોજ એકાદ બિહારી નેતાનો બળવો : રાજનીતિમાં ફિલ્‍મ જેવો રોમાંચ

   

   ‘તારક મહેતા...' સિરીયલમાં સોઢી દંપતીનું પાત્ર ભજવતા બંને અભિનેતા બદલાઇ ગયા. પહેલાનો રોશનસિંહ સોઢી ખુમારી, શકિત અને ભોળપણના પ્રતીક જેવો હતો. નવો સોઢી બબૂચકોના પ્રતીક જેવો છે ! હાસ્‍યને બદલે હાસ્‍યાસ્‍પદ જેવી ભૂમિકા ભજવી રહ્યો છે... બિહાર ભાજપની હાલત નવા સોઢી જેવી છે. નીતિશ સાથે સરકારમાં હતો ત્‍યારે બિહાર ભાજપ જૂના સોઢી જેવો હતો, નીતિશ સાથે છૂટાછેડા બાદ નવા સોઢી જેવો હાસ્‍યાસ્‍પદ બની ગયો છે.

   લોકસભાની આગામી ચૂંટણી અનુસંધાને આજે સંઘ-ભાજપની અતિ મહત્‍વપૂર્ણ બેઠક મળી છે, પરંતુ ભાજપમાં આંતરિક સ્‍થિતિ થાળે પડી નથી. બિહાર ભાજપનું એકાદ નેતુ દરરોજ નીતિશ કુમારના વખાણ કરીને રાષ્ટ્રીય ભાજપના પેટમાં ગરમ તેલ રેડે છે. અભિનેતામાંથી નેતા બની ગયેલા શત્રુધ્‍નસિંહાએ પણ બે-ત્રણ દિવસથી નીતિશ રાગ છેડયો છે અને ખુલ્લે આમ કહી દીધું છે કે, ‘સચ કહના બગાવત હૈ તો હમ બાગી હૈ !'

   શત્રુ પૂર્વે નીતિશ રાગ છેડનારા બિહારના આઠ-દશ નેતાઓને ભાજપમાંથી હાંકી કઢાયા છે, પરંતુ હજુ દરરોજ એકાદ નેતુ બાગી બની રહ્યું છે. ભાજપ માટે આ સ્‍થિતિ હાસ્‍યાસ્‍પદ જેવી છે. ભાજપ બાગીઓને સસ્‍પેન્‍ડ કરતો રહેશે તો બિહાર ભાજપમાં એક માત્ર સુશીલ મોદી જ બચશે... દિલ્‍હી-કેન્‍દ્રની સત્તા કબજે કરવા ઉતાવળા બનેલા ભાજપે ઘર ઠીક કરવાનું બાકી રાખી દીધું હોય તેમ લાગે છે. બિહારી ટાબરિયાઓથી માંડીને અડવાણી બાપાઓ સુધીનાં ભાજપીઓ વારંવાર પાર્ટી લાઇનની દૂર જઇને ‘દિગ્‍વીજય' બની રહ્યા છે. આ સામે રાજનાથ અનાથ જેવા લાગી રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે, ખુદના પક્ષના નેતાઓને સાચવવા અઘરા લાગતા હોય તો એન.ડી.એ. ખીચડાના નેતા-નેતીઓ કેવી રીતે સચવાશે ? મોટી ઘોષણા કરતા પૂર્વે ભાજપે મોટા ઓપરેશનો કરીને રોજના દુઃખાવા દૂર કરવાની જરૂર છે.

   નીતિશ સાથે છૂટાછેડા બાદ બિહાર  ભાજપ સાવ બબૂચક જેવી ભૂમિકા ભજવી રહ્યો છે. દરરોજના બળવાથી કંટાળેલા બિહાર ભાજપના મોભીએ હાસ્‍યાસ્‍પદ નિવેદન કર્ર્યુ- ‘‘આ બધું નીતિશકુમારનું ષડયંત્ર છે, ભાજપને તોડવા એ કારસ્‍તાન કરે છે.'' ઉમા ભારતી બોલ્‍યા - ‘‘શત્રુધ્‍નસિંહા અને દિગ્‍વીજયસિંહ સમાન કામ કરી રહ્યા છે.'' ભાજપ સામે સવાલ એ ઉઠે છે કે, છૂટાછેડા બાદ નીતિશ ભાજપ મજબૂત થાય તેવા પગલાં ભરવાના ન જ હોય, ભાજપ પોતાના ઘેટાં-બકરાં સાચવી કેમ શકતો નથી ? શત્રુધ્‍ન ‘દિગ્‍વીજય' કાર્ય કરી રહ્યો હોય તો તેને હજુ ભાજપમાંથી કેમ હાંકી કઢાતો નથી ? શત્રુઓ ભાજપમાં જ રહીને ભાજપ વિરોધી બોલતા રહે છે તેથી અન્‍ય ભાજપીઓને પણ બાગી બનવાનું પ્રોત્‍સાહન મળતું રહેશે. ભાજપાની હાસ્‍યાસ્‍પદ સ્‍થિતિ જોઇને નીતિશો મરક-મરક હસતા હશે.

   છેલ્લા ચારેક મહિનામાં ભાજપ પર સંઘનો પ્રભાવ વધ્‍યો હોય તેમ લાગે છે. સંઘે વર્તમાન સમયમાં ખરેખર રાષ્ટ્રસેવા કરવી હોય તો ભાજપાનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. બબૂચક જેવા ભાજપીઓને દૂર કરીને વિચારધારાને વળગેલાનો પ્રભાવ પક્ષમાં વધારવો જરૂરી છે. આ ઉપરાંત મોટાભાગના મહત્‍વના મુદ્દાઓમાં ભાજપની ડબલ ઢોલકી જેવી નીતિને પણ રદ્દ કરવી જોઇએ અને હિંમતભેર સ્‍પષ્ટ નીતિ જાહેર કરવી જરૂરી છે. ભાજપને વ્‍યકિત-નીતિથી શુદ્ધ કરીને સત્તા તરફ મોકલવો જોઇએ.

   ભાજપ ‘શત્રુઓ'થી સમૃદ્ધ રહેશે તો રાષ્ટ્રીય કક્ષાએ નવા સોઢી જેવી દશા થશે.!

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]