Ye Sach Hai

News of Thursday, 9th May, 2013

અરૂણ શર્મા-પ્રવિણસિંહા ટીમે પાકિસ્‍તાનમાં બનાવટી નોટો છપાતી હોવાનું શોધતાં રસપ્રદ બોધકથા તાજી

બનાવટી નોટો દ્વારા કરોડપતિ થવાની લાલચે ર૬માંથી ૬ર વર્ષનો થયો પણ નશીબે જેલ સિવાય કંઇ ન આપ્‍યું

સીધો સાદો ફોટોગ્રાફર શોર્ટકર્ટથી લુખ્‍ખાઓને પૈસાદાર થતાં જોઇ મનોમન અફસોસ કરતોઃ ડબલ એકસ પોસનો સુંદર ફોટો બનતાં કલાના દુરઉપયોગનો વિચાર સુઝયો પણ કંઇક મેળવવાને બદલે જે હતું તે ખોયું: ખાસ નોંધ એ કિમીયાગરે જાતે જ તત્‍કાલીન એસ.પી. પી.સી.ગણાત્રાને આ કથા બીજા યુવાનો શોર્ટકર્ટથી અવળે રસ્‍તે ન ચઢે તે માટે પ્રસિધ્‍ધ કરાવવા જાતે સુચવેલ.

   તાજેતરમાં અમદાવાદની શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા પ લાખ પાંચસોની રકમની બનાવટી નોટોના બે કેરીયરને પકડી આ સમગ્ર કાવત્રાના માસ્‍ટર માઇન્‍ડ સૌરાષ્ટ્રમાં બનાવટી નોટોનું મોટા પાયે પ્રસારણ કરનાર અને રાજકોટ રેન્‍જ આઇજી પ્રવિણસિંહા તત્‍કાલીન એસ.પી. હરિક્રિષ્‍ન પટેલે જેને જામનગર જેલમાં ધકેલ તેવા ઉત્તમ બંગાળી અને અમદાવાદનો રફીક હોવાનું ખુલવા સાથે બનાવટી નોટો પાકિસ્‍તાનમાં છપાતી હોવાનું પણ રાજકોટ રેન્‍જ આઇજી પ્રવિણસિંહા જેવું જ તારણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કાર્યદક્ષ વડા અરૂણ શર્માએ શોધી કાઢયા બાદ ચોતરફ બનાવટી નોટોની અને તેના ધંધાની ચર્ચાઓ રસપ્રદ રીતે થઇ રહી છે.

   ત્‍યારે ચાલો સીધા સાદા ફોટોગ્રાફીના ધંધામાં બે પાંદડે ન થતાં અને પોતાની કલાનો દુર ઉપયોગ કરી અવડે રસ્‍તે ચઢી જવા છતાં  જુવાનીથી બુઢ્ઢો થયો ત્‍યાં સુધી હેરાન થયેલ એક વેપારીની કથા માણીએ.

   સરામણી ક્રિયા માટે ગુજરાતમાં પવિત્ર સ્‍થળ તરીકે જાણીતાં સિધ્‍ધપુર પાટણમાં મુળ સાદરા પંથકના લક્ષ્મણસિંહ ફોટો સ્‍ટુડીયો ધરાવતાં, ફોટો સ્‍ટુડીયોમાં જે આવક થતી તેનાથી તેને અસંતોષ હતો. પોતાની નજર સામે કેટલાક લુખ્‍ખાઓને કારમાં ફરતાં જોઇ તેને થતું કે હું ઇમાનદારીથી ધંધો કરૂ છું માટે કદી શ્રીમંત નહિ થઇ શકું. મારા બાળકોને સારી સ્‍કુલ કોલેજમાં નહિ મોકલી શકું. આવા અફસોસ સાથે નિરાશ થઇ માલદાર થવાના વિવિધ રસ્‍તાઓ અંગે વિચારતો હતો. કોઇએ એરંડીયાનો સોદો કરવા અર્થાત સટ્ટાબજારમાં નશીબ અજમાવવા લાલચ આપી પણ તેમાં ૩પ હજારએ સમયે ગુમાવતા હાલત વધુ કફોડી બની.

   આ દરમ્‍યાન લક્ષ્મણસિંહ પાસે એક વ્‍હોરા વેપારી આવ્‍યા અને એક ધાર્મિક ફોટો બતાવી તેને હજાર રૂપીયાની નોટ વચ્‍ચે આબેહુબ ગોઠવી દેવા જણાવ્‍યું. પોતાની કલામાં નિષ્‍ણાંત લક્ષ્મણસિંહે આબાદ કામગીરી દ્વારા શકય બનાવ્‍યું. ખુદ એ વેપારીએ તારીફ કરી.

   આ નોટો આવી સરસ રીતે ડબલ એકસપોસથી દ્વારા આબેહુબ ગોઠવાઇ જતાં તેના મગજમાં શેતાની વિચાર સ્‍ફુર્યો એ હતો બનાવટી નોટોનો. તેણે આ માટે બીજુ ઘટતું સાહિત્‍ય મેળવ્‍યું તેના અંગે ખુબ વાંચન-અભ્‍યાસ કર્યા બાદ પ્રથમ ૧ હજારની નોટ તૈયાર કરી પણ ઉતાવળે હરખપદુડા થઇ નોટ કોઇને બતાવતાં જેલમાં જવાનો વારો આવ્‍યો.

   સાત વર્ષ લક્ષ્મણસિંહ જેલમાં રહયો પણ જેલ જીવનના ૭ વર્ષ દરમિયાન તેને બનાવટી નોટને કારણે જેલવાસ ભોગવવો પડયો તેનો પસ્‍તાવો નહતો. પરંતુ જેલમાંથી છુટયા બાદ બનાવટી નોટો વધુને વધુ બનાવવાનો વિચાર ઘોળાતો. આ માટે હવે તેને મુંબઇ તરફ મીટ માંડી. તે બનાવટી નોટો બનાવવામાં પારંગત તો બન્‍યો પણ  મુંબઇની અંધેરી આલમે તેનો ઉપયોગ કરી તેને કડકો જ રાખ્‍યો. મહામહેનતે ગુજરાત પાછો આવી. ૧ર હજારની બનાવટી નોટ તૈયાર કરી સાબરકાંઠાની એક બેન્‍કમાં વટાવવા પ્રયાસ કર્યો.

   તેના નશીબ જાણે તેને આવાવ ગોરખધંધામાં સાથ ન દેતા હોય તેમ તે પકડાઇ ગયો. તે પકડાયો ત્‍યારે હજારવાળી ૯પ નોટો તૈયાર હતી અને નંબર નાંખવાના બાકી હતા. ત્‍યાં ખેલ પુરો થયો.

   ર૬ માંથી બાસઠસો થયો પણ કરોડપતિ ન બન્‍યો. તત્‍કાલીન એસ.પી. પી.સી.ગણાત્રા (હાલ નિવૃત) સમક્ષ લક્ષ્મણસિંહે જણાવેલ કે, હું કરોડપતિ થવાની લાલચે ખોટા રસ્‍તે ચઢયો, પણ અન્‍ય યુવાનો શોર્ટ કટ અપનાવી આ રસ્‍તે ન આવે તે માટે મારી કહાની જરૂર પ્રસિધ્‍ધ કરાવજો.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]