Ye Sach Hai

News of Tuesday, 23rd July, 2013

વરસાદની ખાનાખરાબીની ઘણી વાતો સાંભળી હશે, આ વાત ભાગ્‍યે જ વાંચી-જાણી હશે

૧૯૯૦માં અનરાધાર વરસાદે મુંબઇમાં એક ઇમારત તો તુટી પણ તેમાં કરોડો રૂપીયાના હીરા દટાયેલા

મુંબઇની પાયધુની વિસ્‍તારની આ જર્જરીત ઇમારતમાં આ ઇમારતની દરેક ખોલીમાં કારીગરો ઘેટા-બકરા જેમ ઠાંસી-ઠાંસી ભરાતાં પણ એ ગરીબોના સદનશીબે ભારે વરસાદને કારણે કામ વહેલું બંધ કરી મોટાભાગનાં નિકળી ગયેલ.

   

   રાજકોટમાં હજુ મેઘરાજા ભલે મન મુકીને ન વરસ્‍યા પરંતુ નર્મદા ડેમ વર્ષો બાદ કદાચ પ્રથમ વાર છલકાયો છે. વલસાડ-સુરતમાં પણ આજ હાલત છે અને અનેક સ્‍થળોએ જર્જરીત ઇમારતો તુટી પડી છે. ઘણા ભેજાબાજ મકાન માલીકોએ ભાડુત પાસેથી મકાનનો કબ્‍જો મેળવવા પોતાને મ્‍યુનિ. તરફથી નોટીસ મળે તેવા કારસાઓ ગોઠવ્‍યા છે. ત્‍યારે આજથી ત્રણ દાયકા અગાઉ અર્થાત ૧૯૯૦ના અરસામાં મુંબઇમાં સતત ત્રણ દિવસ ભારે વરસાદ પડવાથી એક ખખડધજ ઇમારત તો પડી પણ તેમાં કરોડોના હીરા પણ દટાઇ ગયેલ તેની એક રસપ્રદ કથની આજે કરવી છે.

   આપણે આજે જેની વાત માંડી છે તેવી આ ઇમારત મુંબઇના પાયધુની વિસ્‍તારમાં આવી હતી. આમ તો ઘણી જર્જરીત ઇમારતો જમીનદોસ્‍ત થઇ પણ આ ઇમારતમાં ૧પ૦ થી વધુ વ્‍યકિતઓ ઘાયલ થઇ ગઇ હતી અને ૪૦ વ્‍યકિતઓ અધમુવા જેવી થઇ ગયેલ. ઘણા કાટમાળ નીચે દબાઇ ગયેલ. પાયધુની વિસ્‍તારની આ ઇમારત યુસુફ પટેલની માલીકીની હતી. આ બિલ્‍ડીંગમાં વિવિધ ઓરડીમાં હીરા અને સોની કામ ચાલતું હતું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે પ્રથમ તો આ મકાન ધરતીકંપમાં જેમ ધરતી ધ્રુજે તેમ હલબલવા લાગેલ. થોડીવાર હાલકડોલક થયા બાદ તૂટી પડેલ.

   દુર્ઘટનાની જાણ થતા એમ્‍બ્‍યુલન્‍સો-બંબાઓ સાથે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્‍થળે દોડી આવેલ. ફાયર બ્રિગેડ ટીમની મદદમાં ટ્રાફીક પોલીસ અપાયેલ અને એ વિસ્‍તારના બે-ત્રણ પોલીસમેન પણ મદદમાં મુકાયા હતા. કુદરતી રીતે આ દુર્ઘટનામાં ઉગરી ગયેલ રર વર્ષના સપનપાલ નામના કારીગરે જણાવેલ કે, આ બિલ્‍ડીંગમાં મોટાભાગે હીરા અને ચાંદીનું કામ ચાલે છે અને ઇમારત નીચે કરોડોની કિંમતનાં પોલીશ્‍ડ હિરાનો કાચો માલ તથા હીરા દટાયા છે.

   સપનપાલ  નામના આ યુવાનનાં આવા ધડાકાથી એ હીરાઓ ગૂમ ન થાય તે માટે ઉચ્‍ચ પોલીસ અફસરો દ્વારા તાત્‍કાલીક હથીયારધારી પોલીસના હીરાના રક્ષણ માટે ધાડેધાડા ઉતારી દેવાયા. મકાનની માલીકી આમ તો યુસુફ પટેલની હતી પણ તેનો કબજો ટ્રસ્‍ટ હેઠળ હોવાનું ખુલવા પામેલ.

   એ ઇમારતની દરેક ખોલીઓમાં ર૦ થી રપ કારીગરોને ઘેટા-બકરાની જેમ ઠાંસીને ભર્યા હતા. એ સમયે એ બિલ્‍ડીંગમાં હીરાનું કામ કાજ ધમધોકાર ચાલતું હોવાનું બહાર આવેલ. એ ઇમારતમાં કામ કરતા કારીગરોનાં સદનશીબે અનરાધાર વરસાદને કારણે કામ વહેલુ બંધ કરી દેવાયું હતું.

   મુંબઇમાં વરસાદ આવ્‍યા બાદ ગુજરાતમાં વરસાદ પડે છે. તે તથા વરસાદને કારણે બીગ-બી સહિતની ફિલ્‍મી હસ્‍તીઓ પરેશાન થયાની વાત જાણીતી હશે. પરંતુ ત્રણ દિવસના ભારે વરસાદને કારણે મુંબઇના પાયધુની વિસ્‍તારમાં ૧૯૯૦માં ઇમારત પડી અને તેમાં કરોડોનાં હીરા દટાઇ ગયેલા તે વાત ભાગ્‍યે જ કોઇની જાણમાં હશે.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]