Ye Sach Hai

News of Wednesday, 24th July, 2013

બ્રિટનના રાજ પરિવારમાં ‘બાબા'નો જન્‍મ દેશ-વિદેશમાં બ્રેકીંગ ન્‍યુઝ શું કામ બન્‍યા તેનો આ રહયો જવાબ

બ્રિટનનાં લોકો-અખબારોને રાજવી પરિવારમાં વિવાહ હોય કે વરસી કે ‘ઘરઘરણા' બધુ જાણવાની ખુબ ‘ઘેલછા'

બ્રિટનમાં રાજાનું જીવન અંગત રહેતુ નથીઃ લોકોની રાજવી પરિવારના લફરાઓ, વિવાદો જાણવાની રૂચી ધ્‍યાને લઇ ત્‍યાંના અખબારો અ-ધ-ધ ખર્ચ કરે છેઃ આજથી ત્રણ દાયકા અગાઉ પ્રિન્‍સ ચાર્લ્‍સ-ડાયેનાનાં લગ્નના તમામ પ્રસંગોનાં ફોટા એ યુગમાં પણ માટે એક અખબારે ૯ લાખ રૂપીયા ખર્ચેલા.

   (હપ્તો પ્રથમ)

   બ્રિટનના રાજ પરીવારમાં મોંઘેરા અને લાડલા એવા માસુમ મહેમાનનું આગમન થયું છે. પ્રિન્‍સ વિલીયમનાં પત્‍નીએ ‘બાબા'ને જન્‍મ આપ્‍યો અને એ સાથે જ આતુરતાનો અંત આવ્‍યો.જે વાંચકો બ્રિટનના લોકો અને તેના અડધીયા એવા ટેબોલેઇટ દૈનીકોથી પરીચીત નથી તેમને થશે કે કોઇ બાળકને બ્રિટનમાં જન્‍મવું અને તેમાં આટલો બધો ‘દેકારો' શા માટે? તો સહુથી પ્રથમ તો આ બધુ સમજવા માટે આપણે બ્રિટનના લોકો અને તેના ‘અખબારો'નો અભ્‍યાસ કરવો પડે અને તે વિષે જાણવું પડે.

   બ્રિટનના લોકોમાં રાજાશાહીને લગતી તમામ ઘટનાઓ જાણવામાં લોકોને એટલો બધો રસ હોય છે કે વાત પુછોમાં એમાંય કોઇ લફરા લગ્નની વાત આવે ત્‍યારે એ જાણવામાં લોકોને રસ પરાકાષ્ટાએ હોય છે અને અખબારો પણ લોકમાનસની આરસી જેવા હોય આવી માહીતી મેળવી લોકો સમક્ષ પીરસવા માટે અ-ધ-ધ થઇ જવાય તેવો ખર્ચ કરતાં હોય છે. ટુંકમાં કહીએ તો એક રાજા હોવાનાં કારણે તે રાજવી કે તેના પરીવારનું અંગત જીવન નથી રહેતું તેમ કહીએ તો પણ કંઇ ખોટું નહી ગણાય.

   બ્રિટનના રાજપરિવારમાં બનતી દરેક ઘટનાઓ અખબારો ખુબ મસાલા ભરી ભરીને ચગાવે અને વરસાદી મોસમમાં જેમ ભજીયાવાળાને ત્‍યાં ભજીયા બનાવ્‍યાના ગણત્રીના કલાકોમાં એક ભજીયું નથી બચતુ તે રીતે અખબારો અને ખાસ કરીને અડધીયા અખબારો ગરમાં ગરમ ભજીયાની માફક વેંચાય છે. બ્રિટનમાં લગ્ન હોય કે લફરા કે બ્રિટનની રાજ પરિવારમાં સુવાવડના સમાચારો કે ફકત જન્‍મના જ નહિ પણ ‘સારા દિવસો'   રાણી કે રાણીનાં પુત્રવધુને શરૂ થાય ત્‍યાં અખબારોમાં વાત પ્રસરી જાય.

   સુવાવડી રાણીએ શું ખાધું? તેની કેવી કેવી કાળજી રખાય છે. દાયણે પેટ ચોળ્‍યું કે એવા પ્રકારની વાતો પણ મોટા હેડીંગો સાથે પ્રસિધ્‍ધ થાય છે. માત્ર લગ્ન જ નહિ ઘરઘરણું હોય તો પણ લોકો અને અખબારોને એટલો જ રસ પડે છે. ૧૯૮૧ના અરસામાં બ્રિટનનાં પ્રિન્‍સ ચાર્લ્‍સના લગ્ન ડાયના સાથે ૯ મી જુલાઇના રોજ થયા ત્‍યારે તમામ પ્રસંગનાં  ફોટોગ્રાફ પ્રથમ મળે તે માટે એક અખબારે એ યુગમાં ૯ લાખ રૂપીયા ખર્ચ કરવામાં આવેલ. હવે બ્રિટનના અખબારોમાં આ બધું સારી રીતે પ્રસિધ્‍ધ થતું હોવાથી ભારત સહિતના વિવિધ દેશોનાં લોકો પણ બ્રિટનની સારી નરસી વાતો પ્રસારીત કરે છે અને પ્રમાણમાં સારૂ કવરેજ મળતું હોવાથી બ્રિટનના રાજ પરિવારમાં બાળકનો જન્‍મ થાય ત્‍યારે લોકોની રૂચી ધ્‍યાને લઇ ઇેલેકટ્રોનીક મીડીયા માટે ‘બ્રેકીંગ ન્‍યુઝ' બની જાય છે. એક નવાઇની આડવાત પ્રિન્‍સ ચાર્લ્‍સના લગ્ન પ્રસંગે ભારતથી તત્‍કાલીન રાષ્ટ્રપતિ અને સ્‍વ. રાજીવ ગાંધી લગ્નમાં ભાગ લેવા ગયા પણ બ્રિટનના અખબારોએ જાણે તેમનું કોઇ અસ્‍તિત્‍વ કે ન્‍યુઝ આઇટમ ન હોય તેમ ખાસ નોંધ સુધ્‍ધા લીધી ન હતી. બીજી તરફ પ્રિન્‍સ ચાર્લ્‍સ જયારે ભારત આવ્‍યા ત્‍યારે તમામ અખબારોએ તેની વિસ્‍તૃત નોંધ લીધી હતી. ભારતનાં અખબારોનાં પ્રિન્‍સ ચાર્લ્‍સની નાનામાં નાની વાતો તેમની મુલાકાતો અને ભારત ખાતે મુંબઇનાં જાણીતા ડબ્‍બાવાળાઓને કે બીજા કોને મલ્‍યા શું વાતચીત થઇ તેની વાતો પણ પ્રસારીત થતી હતી. બ્રિટનના પ્રિન્‍સ ચાર્લ્‍સે એક યુગની બાલમંદિરની શિક્ષિકા એવી ડાયેના સાથે લગ્ન કરતા મચેલી બબાલ કે એ સમયે ચોક્કસ શબ્‍દો વિધીમાંથી રદ કરવા માટે કેવો દેકારો મચેલો તેની રસપ્રદ વાતો આપણે હવે પછીનાં પ્રકરણમાં આલેખીશું. (ક્રમશ)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]