Ye Sach Hai

News of Thursday, 1st August, 2013

જાગરણની રાતે લુખ્‍ખાઓ-રખડુઓને કન્‍ટ્રોલમા રાખવા પોલીસધાડા ઉતરે છે પણ

મોરબીમાં રાજાશાહી યુગમાં જાગરણની રાત્રે પુરૂષોને ઘર બહાર નિકળવા પર સખ્‍ત પ્રતિબંધ ફરમાવાતો

મોરબીમાં રાજાશાહી યુગમાં જાગરણની રાત્રે પુરૂષોને ઘર બહાર નિકળવા પર સખ્‍ત પ્રતિબંધ ફરમાવાતો

   રાત્રે ટ્રેનમાં આવનારને દશના ટકોરા પડયાં હોય તો સ્‍ટેશનમાં જ રાત ગુજારવી પડતી? ખુદ રાજવી કે તેના પરિવારના પુરૂષ સભ્‍યો પણ મહેલ બહાર ન નિકળતાઃ રોડ પર પોલીસની ફોજ તો શું એક ‘સીંગલ' પોલીસમેન રોડ પર ન ફરી શકેઃ ચોકીમાં પોલીસને પુરાઇ રહેવું પડેઃ રસપ્રદ યાદો

   તાજેતરમાં જયા પાર્વતીના જાગરણ અંતર્ગત પોલીસ દ્વારા શહેરનાં વિવિધ વિસ્‍તારો અને રેસકોર્ષ વિ. જેવા સ્‍થળોએ મોટી ફોજ ઉતારી ગમે તેની મશ્‍કરી કરવા માટે ટેવાયેલ અને ધુમ સ્‍ટાઇલથી બાઇક ચલાવનારાઓને ચેતવણી આપતી યોજના કરી ખુદ રાજકોટના પોલીસ કમિશ્નર એચ.પી.સિંઘ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર ડો. કે.એલ.એન.રાવ અને ડીસીબીના એસ.પી. બી.ડી.રબારી, પી.આઇ. વી.બી.જાડેજા વિ.એ ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવો પડયો.

   આનો સીધો અર્થ એ કે જો પોલીસ આવી કડકાઇ ન દાખવે તો કેટલાક ‘રખડુ' જેવા યુવાનો કે બીજા આવરાતત્‍વો મર્યાદા ઓળંગતા વાર ન લગાડે પણ આજે લોકશાહીમાં આવી હાલત ભલે હોય પણ રાજાશાહી યુગમાં મહિલાઓ યુવતીઓ નિઃસંકોચ જાગરણનો તહેવાર આનંદથી ઉજવી શકે તેટલું જ નહિ કોઇ જાતના ડર કે ભય વગર ઉજવી શકે તે માટે મોરબીમાં જાગરણની રાત્રે પુરૂષોને બહાર નિકળવા પર પ્રતિબંધન મુકતું જાહેરનામું બહાર પડી જતું. જે રીતે પોલીસ  કમિશ્નર કે કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પડે છે તે રીતે રાજવીના જાહેરનામાનો ભંગ લોકો તો શું ખુદ રાજવી કે તેમનો પરિવાર કરતો નહિં. રાજ પરિવારના પુરૂષ સભ્‍યો પણ તેનો ભંગ ન કરતા તેમને પણ એ નિયમ એટલો જ લાગુ પડતો.

   હવે સવાલ એ થાય કે કોઇ બહારગામથી રાત્રે ટ્રેન મારફત આવે અને દશના ટકોરા પડી ગયા હોય તો શું? તેમને માટે છુટ રહેતી કે કેમ? તો જાણી લો આવા પુરૂષને ગામમાં પ્રવેશવા ન મળે. તેઓએ રાત સ્‍ટેશન પર વિતાવવી પડે. મોડી રાતની ટ્રેઇન પકડવી હોય તો રાત્રે દશ પહેલાં જ સ્‍ટેશન પહોંચવું પડે. આવો હતો કડક કાયદો.

   હવે પ્રશ્ન એ થાય કે એ યુગમાં મહિલા પોલીસ તો હતી નહી તો શું પોલીસ ઘેર જઇ આરામથી ઉંઘતાં? ના, આનો પણ ઉકેલ કઢાયેલ. પોલીસ રાતના દશ વાગ્‍યા પેહલા પોલીસ ચોકીમાં બેસે પણ તેઓને પણ ચોકી બહાર નિકળવાની મનાઇ હતી. બંદોબસ્‍તના નામે તેઓ કંટાળી અને બહાર પણ ચક્કર ન મારી ન શકે.

   એ સમયે કોઇ લુખ્‍ખા તત્‍વોની કે રખડુઓની તાકાત કે હિંમત નહોતી કે કોઇ મહિલા કે યુવતી સામે આંખ ઉંચી કરી જોઇ શકે. પછી ‘કાંડા' પકડવાનું કે કોઇના ઘરમાં ઘુસી જવાની વાત જ ન આવતી. ટુંકમાં એ યુગમાં એક પણ પોલીસની હાજરી વગર મોરબીમાં જાગરણનો તહેવાર બાળાઓ આનંદથી ઉજવતી. રાજાશાહી યુગમાં ભલે દરેક બાબત આવકારદાયક ન હોય પણ કાયદો વ્‍યવસ્‍થા વિ. ઘણા ચુસ્‍ત રહેતાં. એમાંય રાજકોટ રાજવી સર લાખાજીરાજ બાપુ કે જે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હતા.

   તે ઉપરાંત ખરા અર્થમાં દુરંદેશી અને કોઇ જાતના કરવેરા વગર રાજય ચલાવતાં સર ભગવતસિંહજી હોય કે પછી ભાવનગરનાં પ્રજાપ્રિય કૃષ્‍ણકુમારસિંહજી હોય કે મોરબીનાં શ્રી વાઘજી ઠાકોર આવા અનેક રાજવીઓનું રાજકાજ આજે પણ જુની પેઢીના લોકો યાદ કરે છે. આ બધાના બગાડામાં જાણકારો, રાજકારણીઓનો અમલદારો પર વધતો પ્રભાવ, નાના સ્‍ટાફ પીએસઆઇ, પીઆઇ પોતાના ઉપરી અધિકારીનાં પોષ્ટીંગ અપાવવાની તાકાત ધરાવતા લુખ્‍ખાઓ સાથે પોલીસની સાંઠગાંઠ અને વધતી વસ્‍તી, ભૌતિકવાદ વિ. કારણભૂત હોવાનું માને છે.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]